Last Updated on by Sampurna Samachar
પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને ટેન્કરને ઘેરી લીધું
ટેન્કર ચાલકને દબોચી લેવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્ટેટ મોનિટરિંગ સેલની બાજ નજર સામે વડોદરામાં એક મોટું નેટવર્ક ખુલ્લું પડી ગયું છે. વડોદરાના હરણી પોલીસ મથકની હદમાં આવતી દેણા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટેન્કરને આંતરીને પોલીસે દારૂના મોટા જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી લીધી છે.

SMC ની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, બહારના રાજ્યમાંથી એક મોટું ટેન્કર વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ આવી રહ્યું છે. આ બાતમીના આધારે ટીમે હાઈવે પર વોચ ગોઠવી હતી. દેણા ચોકડી પાસેથી પસાર થતા ટેન્કરને ઊભું રાખવાનો ઈશારો કરતા ચાલકે ગાડી ભગાડી મૂકી હતી. પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને ટેન્કરને ઘેરી લીધું હતું.
વડોદરાની હરણી પોલીસને સોંપવામાં આવી
પ્રાથમિક તપાસમાં ટેન્કર ખાલી દેખાતું હતું, પરંતુ જ્યારે તેની બારીકાઈથી તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બુટલેગરોએ ટેન્કરની અંદર લોખંડનું આખું ગુપ્ત કેબિન વેલ્ડિંગ કરીને તૈયાર કર્યું હતું, જેમાં વિદેશી દારૂની પેટીઓ ખડકી દેવામાં આવી હતી. આ સફળ દરોડા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂનો તમામ જથ્થો અને ટેન્કર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ટેન્કરના ચાલકને ઘટનાસ્થળેથી જ દબોચી લેવામાં આવ્યો છે. આ કેસની આગળની કાયદેસરની તપાસ અને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા વડોદરાની સ્થાનિક હરણી પોલીસને સોંપવામાં આવી છે. હરણી પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ દારૂનો જથ્થો કયા રાજ્યમાંથી મોકલવામાં આવ્યો હતો અને વડોદરા કે આસપાસના વિસ્તારમાં કયા સ્થાનિક બુટલેગરને ડિલિવરી આપવાની હતી.