Last Updated on by Sampurna Samachar
ગુરુગ્રામમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હોસ્પિટલમાં હાજર રહ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. સોનિયા ગાંધીને ગુરુગ્રામમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનુ જાણવા મળ્યું છે.

સૂત્રો અનુસાર તેમને એક સામાન્ય સર્જરી માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યાની જાણકારી મળી રહી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં તેમની સાથે જ જોવા મળ્યા હતા. અગાઉ ૨૪ માર્ચના રોજ પણ તાવ અને ઈન્ફેક્શનની ફરિયાદ બાદ તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં ડૉક્ટરો તેમના પેટ અને યુરિનરી ટ્રેક્ટમાં સંભવિત ઈન્ફેક્શનની તપાસ માટે આગળની પ્રક્રિયા કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થય સમસ્યાથી પીડિત
માતાની તબિયત બગડતા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સોનિયા ગાંધીની સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓને કારણે પોતાનો નિર્ધારિત કેરળ પ્રવાસ રદ કર્યો છે.
કોઝિકોડમાં એક રેલીને વર્ચ્યુઅલી સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, માતા હોસ્પિટલમાં હોવાથી એક પુત્ર તરીકે તેમની સાથે રહેવું જરૂરી હોવાથી તેઓ વ્યક્તિગત રીતે હાજર રહી શક્યા નથી.
સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષે જૂન મહિનામાં પણ પેટને લગતી સમસ્યાઓના કારણે તેમને ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ૭ જૂન, ૨૦૨૫ના રોજ તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં મેદાંતા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.