Last Updated on by Sampurna Samachar
આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી સુરત લવાયો હતો
‘રેજેન્ટ પ્લાઝા‘ના ફ્લેટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં નશા કારક પદાર્થો અને નશા કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા અમદાવાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરતમાં વધુ એક મોટી સફળતા મેળવવામાં આવી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ‘રેજેન્ટ પ્લાઝા‘ના એક ફ્લેટમાં ડ્રગ્સનો મોટો જથ્થો હોવાની સચોટ બાતમીના આધારે ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં લાખોની કિંમતનું ડ્રગ્સ અને રાજસ્થાનના કુખ્યાત સપ્લાયરો ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો છે.

આ રેડ દરમિયાન SMC ની ટીમને ફ્લેટમાંથી કુલ ૧૦૫૩.૬૫ ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા ૩૧.૬૦ લાખ જેટલી થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ફ્લેટનો ઉપયોગ ડ્રગ્સના સંગ્રહ અને વિતરણના અડ્ડા તરીકે કરવામાં આવતો હતો.
ત્રણ પેડલરને ઝડપી લેવા પોલીસના ચક્રો ગતિમાન
ઉલ્લેખનીય છે કે પોલીસે સ્થળ પરથી રાજસ્થાનના ત્રણ મુખ્ય ડ્રગ્સ સપ્લાયરોની ધરપકડ કરી હતી. જોકે, રેડ દરમિયાન અન્ય ત્રણ ડ્રગ્સ સપ્લાયરો નાસી છૂટવામાં સફળ રહ્યા જેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી સુરત લાવવામાં આવ્યો હતો અને સુરતના સ્થાનિક પેડલરોને સપ્લાય કરવાનો હતો. આ રેકેટમાં સુરતના કયા કયા લોકો સામેલ છે તે અંગે હવે ઉંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ સાથે નાસી છૂટેલા ત્રણ પેડલરને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.