Last Updated on by Sampurna Samachar
શ્રમિકો પૈસા કમાવવા માટે બે દિવસ પહેલા જ આવ્યા હતા
લાયસન્સની ડેટ પણ નીકળી ગઇ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડીસા, તા.૨
બનાસકાંઠાના ડીસા (DEESA) માં થયેલા અગ્નિકાંડમાં ૨૧ લોકોના મોત બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ૨૧ લોકોના જીવ લેનાર આરોપી ખૂબચંદ અને તેના પુત્ર દીપક મોહનાનીની ધરપકડ કરાઈ છે. આ સાથે પોલીસ અને વહીવટી તંત્રની ટીમે ગોડાઉનમાં રહેલા ફટાકડા અને વિસ્ફોટક સામગ્રીનું પંચનામું પણ કર્યું હતું. સરકારે આ દુર્ઘટનાની તપાસ માટે ખાસ તપાસ દળની રચના કરી છે.
રાજ્ય સરકારે ડીસાની દુર્ઘટનામાં ૨૧ લોકોના મોત બાદ ખાસ તપાસ દળની રચના કરી છે. IAS ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને આ SIT ની રચના કરવામાં આવી છે. આ તપાસ સમિટીમાં વિશાલકુમાર વાઘેલા (નાયબ પોલીસ મહાનિરીક્ષક), એચ. પી. સંઘવી (ડાયરેક્ટર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર), જે.એ. ગાંધી (ચીફ એન્જિનિયર) ને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
આ મુદ્દે તપાસ કરશે સમિતી
– કયા સંજોગોમાં તથા કારણોસર વિસ્ફોટની ઘટના બની હતી?
– GIDC માં ફટાકડાની ફેક્ટરી શરૂ કરવા બાબતે સક્ષમ સ્થાનિક તંત્ર પાસેથી યોગ્ય મંજૂરી લીધી હતી કે કેમ?
– ફટાકડાની ફેક્ટરીની મંજૂરી ઉપરાંત તે માટે વિસ્ફોટક સામગ્રી સંગ્રહ માટે ગોડાઉનની અલગથી મંજૂરી મેળવવાની થાય છે કે કેમ? જો હા તો તે અંગે નિયમાનુસાર કાર્યવાહી થઈ છે કે કેમ?
– એક્સપ્લોઝિવ એક્ટ, ૧૮૮૪ તથા એક્સપ્લોઝિવ રૂલ્સ, ૨૦૦૮ની જોગવાઈઓનું પાલન થયું છે કે કેમ?
– ફેક્ટરી એક્ટ ૧૯૪૮ હેઠળ તમામ જોગવાઈનું પાલન થયું કે નહીં?
– ફેક્ટરીમાં કામદારો માટે લેબર લો તથા ચાઈલ્ડ લેબરનું પાલન થયું કે નહીં?
– ફેક્ટરીના સંબંધમાં બાંધકામના નિયમોનું પાલન થયું કે નહીં?
– ફાયર એનઓસીની પરવાનગી હતી કે નહીં?
– સ્થાનિક તંત્ર દ્વારા સમયાંતરે ઈન્સ્પેક્શન કરવામાં આવેલ છે કે કેમ?
– બનાવના સંબંધમાં નિષ્કાળજી/બેદરકારી માટે જવાબદાર વ્યક્તિઓની તપાસ કરવી.
આ તપાસ સમિટીએ ૧૫ દિવસની અંદર રિપોર્ટ સરકારને પરત કરવાનો રહેશે.
હચમચાવી મુકે તેવા દ્રશ્યો અને તેનાથી વધારે હચમચાવી મુકે તેવી આ ઘટના બનાસકાંઠાના ડીસામાં બની છે. GIDC માં ચાલતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક બોઈલ ફાટ્યા અને પછી એવી આગ લાગી કે તેમાં એક-બે નહીં પણ અનેક જિંદગીઓ જીવતી હોમાઈ ગઈ. જે મોતને ભેટ્યા તે તમામ લોકો મધ્યપ્રદેશના શ્રમિકો હતા. આ શ્રમિકો બે પૈસા કમાવવા માટે બે દિવસ પહેલા જ કંપનીમાં આવ્યા હતા.
આ કંપનીએ લાયસન્સ માત્ર ફટાકડા સ્ટોર કરવાનું લીધું હતું એટલે કે ફટાકડાનું વેરહાઉસ હતું અને હા, આ લાયસન્સની તારીખ પણ પત્તી ગઈ હતી એટલે કે રિન્યુ થયું જ નહતું.