Last Updated on by Sampurna Samachar
હાંસોટ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી
વરસાદી વાતાવરણ વચ્ચે બાળકને ત્યજી દીધું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચના હાંસોટ તાલુકાના રાયમા ગામ નજીક હદય કાંપી ઉઠે તેવો કિસ્સો બહાર આવ્યો છે. વાત કરીએ તો નહેર પાસેથી અંદાજે એક મહિનાનું નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, વરસાદી વાતાવરણ વચ્ચે કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને ખુલ્લા આકાશ નીચે લાવારિસ હાલતમાં છોડી દીધું હતું. સ્થાનિક લોકોની નજર બાળક પર પડતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
પોલીસે બાળકનો મા-બાપ વિશે તપાસ શરૂ કરી
બાળકને પ્રાથમિક સારવાર માટે કુડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ વધુ સારવાર અને દેખરેખ માટે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હાલ બાળકની તબિયત અંગે તબીબો દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં હાંસોટ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બાળકને કોણે અને કયા કારણોસર અહીં છોડી દીધું તેની તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારોમાં તપાસ તેમજ જરૂરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે નિર્દોષ નવજાત બાળકને આ રીતે ત્યજી દેવું અત્યંત અમાનવીય કૃત્ય છે. પોલીસે જવાબદાર વ્યક્તિને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પોલીસ દ્વારા બાળકના પરિવારજનો સુધી પહોંચવા માટે તપાસના વિવિધ પાસાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે.