Last Updated on by Sampurna Samachar
BCCI ને આપેલા ઇન્ટરવ્યુમાં દિલ જીતી લીધું
દેશના વ્યક્તિને દેશ માટે રમવુ તે એક સપનું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિનામાં ઇંગ્લેન્ડ પ્રવાસે જઇ રહી છે. જેને લઇ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે રોહિત શર્માની નિવૃત્તિ બાદ શુભમન ગિલ (SHUBHMAN GILL) ને નવા ટેસ્ટ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા આ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ૫ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત થયા પછી ગિલની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેણે BCCI ને આપેલા ઇન્ટરવ્યુમાં દિલ જીતી લે તેવી વાત કહી છે.
એક દાયકાથી વધુ સમય બાદ એવું બની રહ્યું છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા કે આર.અશ્વિનમાંથી કોઈ પણ ટેસ્ટ શ્રેણીનો ભાગ નથી. ત્રણેય દિગ્ગજોએ તાજેતરમાં જ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી છે. આ શ્રેણીમાં ૨૫ વર્ષીય શુભમન ગિલ માટે ઘણા પડકારો હશે, જોકે તેની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સ IPL માં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને ટોચના સ્થાને છે. પરંતુ ક્રિકેટના આ લાંબા ફોર્મેટમાં તે કેટલો સફળ થાય છે તે આવનાર સમય બતાવશે. કેપ્ટન તરીકે નિયુક્ત થયા પછી, ગિલે પણ સ્વીકાર્યું કે આ પદ સાથે તેના પર મોટી જવાબદારી હશે.
મારા માટે ખૂબ જ સન્માનની વાત
શુભમન ગિલે શું કહ્યું કે, ” જ્યારે તમે ક્રિકેટ રમવાનું શરૂ કરો છો, ત્યારે દરેક વ્યક્તિ દેશ માટે રમવાનું સપનું જુએ છે. ફક્ત ભારત માટે ક્રિકેટ રમવું જ નહીં, પરંતુ લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટ રમવું એ એક સ્વપ્ન છે. મારા માટે ખૂબ જ સન્માનની વાત છે કે મને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરવાની તક મળી છે. આ પદ સાથે એક મોટી જવાબદારી પણ આવે છે.” BCCI એ હજુ સુધી ઇન્ટરવ્યૂનો સંપૂર્ણ વીડિયો શેર કર્યો નથી.
ટેસ્ટ કારકિર્દીની વાત કરીએ તો, શુભમન ગિલે ૨૬ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે ૩૨ મેચોમાં ૩૫.૦૫ની સરેરાશથી ૧૮૯૩ રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેના નામે ૫ સદી અને ૭ અડધી સદી છે.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ : શુભમન ગિલ, ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતીશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, આકાશદીપ, કુલદીપ યાદવ.