હુમલો થયો તે રાતે સૈફ અને કરીના એકસાથે બેડરૂમમાં હોવાનુ કહ્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સૈફ અલી ખાનના હુમલા કેસમાં અભિનેતાને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સૈફ અલી ખાને મુંબઈ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. જેમાં મોડી રાત્રે મુંબઈ પોલીસની એક ટીમ સૈફના ઘરે પહોંચી અને તેનું નિવેદન નોંધ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને સૈફ અલી ખાને ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના કેવી રીતે બની અને હુમલાખોરે કરનારે કેવી રીતે હુમલો કર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈફે કહ્યું કે, “૧૬ જાન્યુઆરીએ રાત્રે ૨:૩૦ થી ૨:૪૦ વાગ્યાની વચ્ચે ઘડબડાટીનો અવાજ સંભળાયો હતો. હું ૧૨માં માળે મારા રૂમમાં હતો, કરીના પણ મારી સાથે હતી. અવાજો સાંભળીને, હું ૧૧માં માળે નીચે ગયો, જ્યાં મારા બાળકો અને તેમનો કેયર ટેકર સાથે રહે છે. મને જહાંગીરના રૂમમાંથી અવાજ આવતો હતો. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મેં જોયું કે, જહાંગીરનો કેર ટેકર અને એક અજાણ્યો માણસ મોટેથી વાત કરી રહ્યા હતા.”
સૈફ અલી ખાનના નિવેદન મુજબ, “સૈફ અને તેની પત્ની કરીના તેમના બેડરૂમમાં હતા, જ્યારે તેમનો દીકરો તૈમૂર એક નર્સ સાથે બીજા રૂમમાં હતો. તેનો નાનો દીકરો જહાંગીર સ્ટાફ નર્સ એલિયામ્મા ફિલિપ અને ઘરના બીજા સ્ટાફ સાથે એક અલગ બેડરૂમમાં હતો. ફિલિપે હુમલાખોરને જોયો હતો.”
સૈફ અલી ખાને આગળ કહ્યું કે, “તે માણસ પાસે છરી હતી, મને મારા દીકરાના જીવનું જોખમ હતું, તેથી મેં કંઈ વિચાર્યું નહીં અને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. મેં તેને થોડીવાર પકડી રાખ્યો, પણ અચાનક તેણે મારા પર છરીઓથી હુમલો કરી દીધો હતો. મારી પીઠ, ગરદન અને હાથ પર હુમલો કર્યો હતો.”
સૈફ અલી ખાને આગળ કહ્યું કે, “જ્યાં સુધી કેરટેકર મારા બાળકને રૂમમાંથી બહાર આવી, ત્યાં સુધી મેં કોઈક રીતે તેના પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો અને તેને તે જ રૂમમાં બંધ કરી દીધો હતો. ખૂબ લોહી વહીં રહ્યું હતું, કરીના અને બાળકો ડરી ગયા હતા. ત્યારબાદ મને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.”
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “સૈફે કહ્યું કે ફિલિપની ચીસો અને જહાંગીરના રડવાનો અવાજ સાંભળીને તે અને કરીના બેડરૂમમાંથી બહાર આવ્યા હતા. તેણે હુમલાખોરને ફિલિપ પર હુમલો કરતા જોયો હતો. તેથી તેણે તેના પર હુમલો કર્યો અને તેને પકડી લીધો હતો. હુમલાખોરે ભાગવા માટે તેને છરી મારી દીધી હતી.
હોસ્પિટલમાંથી પાછા ફર્યા પછી, સૈફને ફિલિપ પાસેથી ખબર પડી કે, હુમલાખોરે ૧ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. બીજી તરફ, આ કેસમાં સૈફના મેડિકલ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અભિનેતા પર સવારે હુમલો થયો હતો અને અભિનેતા હુમલાના ૧ કલાક અને ૪૧ મિનિટ પછી હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યારે તેમના ઘરથી હોસ્પિટલનું અંતર ફક્ત દસથી પંદર મિનિટનું છે.