Last Updated on by Sampurna Samachar
બાંગ્લાદેશ સરહદે ટોળેટોળા
સરકારના આ કડક અભિયાનના ડરથી ફફડાટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળની ભાજપ સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘ડિટેક્ટ, ડિલીટ ઍન્ડ ડિપોર્ટ‘નીતિ બાદ હવે ગ્રાઉન્ડ લેવલ પર મોટી વહીવટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સરકારના આ કડક અભિયાનના ડરથી બાંગ્લાદેશ સરહદના અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની મોટી ભીડ જામવા લાગી છે. ઉત્તરી ૨૪ પરગણા અને માલદા જિલ્લામાંથી સામે આવેલા દૃશ્યો સાબિત કરે છે કે, સરકાર હવે માત્ર રાજકીય નિવેદનો આપવાને બદલે કડક એક્શન લઈ રહી છે.

ઉત્તરી ૨૪ પરગણાના બશીરહાટ વિસ્તારમાં આવેલા હકીમપુર ચેકપોઇન્ટ પર ૧૦૦ થી વધુ બાંગ્લાદેશી પુરુષો અને મહિલાઓ એકઠા થયા હતા. આ તમામ લોકો ઇન્ટરનેશનલ બોર્ડર પાર કરીને જાતે જ પાછા બાંગ્લાદેશ જવા માંગતા હતા.
પોલીસ આવા લોકોને પકડીને BSF ને સોંપશે
પોલીસના હાથે પકડાઈ જવાના ડરથી અને સરકાર દ્વારા શરૂ કરાયેલા હોલ્ડિંગ સેન્ટરોના કારણે ગેરકાયદે રહેતા આ લોકો પોતે જ સરહદે પહોંચી રહ્યા છે. સરહદ પર આ ભીડ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના એ એલાન પછી જોવા મળી છે, જેમાં તેમણે ઘૂસણખોરોને પકડવા માટે ‘ડિટેક્ટ, ડિલીટ ઍન્ડ ડિપોર્ટ‘ની નવી પોલિસીની જાહેરાત કરી હતી.
BSF ના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે, જે લોકો નાગરિકતા અધિનિયમ એટલે કે CAA ના કાયદાકીય દાયરામાં નથી આવતા, તેમને ગેરકાયદે ઘૂસણખોર માનવામાં આવશે. પોલીસ આવા લોકોને પકડીને BSF ને સોંપશે. આ માટે રાજ્ય સરકારે જિલ્લાઓમાં હોલ્ડિંગ સેન્ટર બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે, જેથી શંકાસ્પદ લોકોને ત્યાં થોડો સમય રાખી શકાય. માલદા દેશનો એવો પહેલો જિલ્લો બન્યો છે જ્યાં આવું હોલ્ડિંગ સેન્ટર કાર્યરત થઈ ગયું છે.
માલદાના ઇંગ્લિશ બજાર શહેરના ચંદન પાર્કમાં બનેલા આ સેન્ટરમાં હાલમાં ૩ મહિલાઓ અને ૬ સગીર સહિત ૯ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને રાખવામાં આવ્યા છે. આ સેન્ટર પર ૨૪ કલાક CCTV કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.
તેમજ ૧૨ પોલીસ કર્મચારીઓ, સિવિલ ડિફેન્સ સ્ટાફ અને મદદગારો તહેનાત કરવામાં આવ્યા છે. અહીં શંકાસ્પદ લોકોના દસ્તાવેજોની તપાસ કરીને તેમની નાગરિકતા નક્કી કરવામાં આવે છે. આ નવી વ્યવસ્થા હેઠળ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને ૩૦ દિવસ સુધી કસ્ટડીમાં રાખી શકાશે, જ્યાં તેમની બાયોમેટ્રિક વિગતો લઈને સેન્ટ્રલ ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે.
સરકારના આ કડક પગલાંને નવા ‘ઇમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ ઍક્ટ‘ સાથે જોડવામાં આવી રહ્યું છે, જેણે જૂના કાયદાઓનું સ્થાન લીધું છે. આ નવો કાયદો દેખરેખ અને દેશનિકાલ માટે સંપૂર્ણપણે ટૅક્નોલૉજી આધારિત માળખું પૂરું પાડે છે.
આ કાયદા હેઠળ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના રેન્કના પોલીસ અધિકારીને પણ શંકાસ્પદ ઘૂસણખોરોને વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા આપવામાં આવી છે.સરકારની આ કડક વહીવટી કાર્યવાહીના કારણે પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી અને નાગરિકતાના મુદ્દે રાજકારણ ફરી ગરમાયું છે.
ભાજપના નેતાઓએ આ ઝુંબેશને આવકારી છે, જ્યારે ઉત્તરી માલદાના ભાજપ સાંસદ ખગેન મુર્મૂએ જણાવ્યું કે, દેશ અને રાજ્યની સુરક્ષા માટે આ જરૂરી છે કારણ કે બંગાળ રોહિંગ્યા અને આતંકવાદી તત્ત્વોનો અડ્ડો બની ગયું હતું. બીજી તરફ, સરકારે ખાતરી આપી છે કે CAA કાયદા હેઠળ સુરક્ષિત લઘુમતીઓને આનાથી કોઈ નુકસાન નહીં થાય. નિયમો અનુસાર, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ પહેલાં ભારત આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી છે.