Last Updated on by Sampurna Samachar
દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઇટ દિલ્હી પરત ફરી
પ્લેન ૮ કલાક હવામાં રહ્યા બાદ પરત ફર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI ૧૭૩માં અધવચ્ચે ટેકનિકલ ખામી સર્જાતાં પરત દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. બોઇંગ 777-300 ER એરક્રાફ્ટમાં સર્જાયેલી આ ખામી સમયે પ્લેનમાં આશરે ૨૩૦ જેટલા મુસાફરો સવાર હતા, જેમનો આબાદ બચાવ થયો છે.

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટના ડેટા અનુસાર, આ ફ્લાઇટે દિલ્હીથી ટેકઓફ કર્યા બાદ આશરે ૩ કલાકથી વધુનો સમય હવામાં રહ્યું હતું. પ્લેન જ્યારે ચીનની એરસ્પેસમાં હતું, ત્યારે જ તેમાં ટેકનિકલ ખામી હોવાનું માલૂમ પડ્યું હતું. પાઇલટે નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ પ્લેનને તુરંત જ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી તરફ ડાયવર્ટ કરવાનો ર્નિણય લીધો હતો.
ઝીણવટભરી તકનીકી તપાસ કરવામાં આવશે
આખી પ્રક્રિયા દરમિયાન પ્લેન આશરે ૮ કલાક કરતાં વધુ સમય સુધી હવામાં રહ્યું હતું અને આખરે દિલ્હીમાં તેનું સેફ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ગંભીર ઘટના અંગે એર ઇન્ડિયાના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, “૨૭ મેના રોજ દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઇટ AI ૧૭૩ ટેકનિકલ ખામીના કારણે નક્કી કરેલી પ્રક્રિયા મુજબ દિલ્હી પરત ફરી છે. એરક્રાફ્ટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું છે અને હવે એર ઇન્ડિયાના સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ મુજબ તેની ઝીણવટભરી તકનીકી તપાસ કરવામાં આવશે.
એરલાઇન્સે મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે, તમામ ૨૩૦ મુસાફરોને વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યાં સુધી એરપોર્ટ પર હાજર ગ્રાઉન્ડ ટીમ દ્વારા મુસાફરોને રિફ્રેશમેન્ટ (નાસ્તો-પાણી), હોટેલ સ્ટે અને તેમની પસંદગી મુજબ ટિકિટ રિશેડ્યુલિંગ સહિતની તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.