Last Updated on by Sampurna Samachar
કૂટનીતિક જીત બાદ હવે ઘરવાપસી કરતાં નાવિકો
જાસક પોર્ટ નજીકથી ઈરાની સુરક્ષા દળોએ કરી હતી અટકાયત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાનમાં જુલાઈ ૨૦૨૫ થી જેલમાં બંધ ૧૦ ભારતીય નાવિકોને લાંબી કાનૂની અને રાજદ્વારી મંત્રણા બાદ આખરે મુક્ત કરવામાં આવ્યા છે. ભારતના શિપિંગ સત્તાવાળાઓએ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી.

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગના જણાવ્યા મુજબ, આ તમામ નાવિકો એમવી હાર્બર ફીનિક્સ નામના ઓઇલ ટેન્કર જહાજ પર કામ કરતા હતા, જેમને જુલાઈ ૨૦૨૫માં જાસક પોર્ટ નજીકથી ઈરાની સુરક્ષા દળોએ અટકાયતમાં લીધા હતા. શિપિંગ ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે અત્યારે આ તમામ નાવિકો એકદમ સુરક્ષિત છે અને તેમને વહેલી તકે ભારત પરત લાવવા માટેની જરૂરી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
દુનિયામાં ક્રૂડ ઓઇલ ખરીદવામાં ભારત ત્રીજા ક્રમે
જહાજ ટ્રેક કરતી વેબસાઇટ્સના રિપોર્ટ મુજબ, આ ઓઇલ ટેન્કર પલાઉ દેશના ધ્વજ સાથે ક્રૂડ ઓઇલ અને અન્ય પેટ્રોલિયમ વસ્તુઓ લઈને જઈ રહ્યું હતું. ભારત અને ઈરાન વચ્ચે વર્ષો જૂના રાજદ્વારી અને ઊર્જા સંબંધો છે, પરંતુ ઈરાનની સેના ખાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઈંધણ લઈ જતા જહાજોને અવારનવાર પકડી લેતી હોય છે.
આ સંવેદનશીલ બાબતમાં ભારતે જાહેરમાં કોઈ બિનજરૂરી નિવેદનો આપવાને બદલે શાંત વ્યૂહનીતિ અને મજબૂત કૂટનીતિ વાપરીને ઈરાન સરકાર સાથે સતત વાતચીત ચાલુ રાખી હતી, જેના કારણે જ આ નાવિકોની મુક્તિ શક્ય બની છે.
અત્યારે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દરિયાઈ માર્ગ પરથી પસાર થતા જહાજો પર કડક નિયંત્રણો અને પાબંદીઓ લગાવી દીધી છે. આ એ જ વ્યૂહાત્મક દરિયાઈ રસ્તો છે, જ્યાંથી આખી દુનિયાના કુલ વપરાશનો અંદાજે ૫મો ભાગ (૨૦%) ક્રૂડ ઓઇલ અને એલએનજી સપ્લાય થાય છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા શરૂ કરાયેલા હુમલા બાદ ઈરાને આ દરિયાઈ માર્ગ પર પોતાની સખ્તાઈ વધારી દીધી છે.
દુનિયામાં ક્રૂડ ઓઇલ ખરીદવામાં ભારત ત્રીજા ક્રમે આવે છે. ભારત પોતાની જરૂરિયાતનું અંદાજે અડધું ક્રૂડ ઓઇલ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના દરિયાઈ માર્ગેથી જ આયાત કરે છે. વિશ્વના મર્ચન્ટ નેવી વર્કફોર્સમાં ભારતીય નાવિકોની સંખ્યા ઘણી મોટી છે અને હજારો ભારતીયો ખાડી વિસ્તારના આ દરિયાઈ રસ્તાઓ પર રાત-દિવસ કામ કરે છે. ભારતનો સત્તાવાર સ્ટેન્ડ પણ એ જ રહ્યો છે કે મિડલ ઈસ્ટમાં વહેલી તકે શાંતિ સ્થપાય અને હોર્મુઝ દરિયાઈ માર્ગેથી કોઈ પણ અડચણ વગર વૈશ્વિક વ્યાપાર ચાલતો રહે.