Last Updated on by Sampurna Samachar
મિસાઈલો બનાવવા વપરાતુ કેમિકલ લઈ જતું જહાજ ઝડપાયું !
લાખો બિનનોંધાયેલા 4G LTE સિમ કાર્ડ મળી આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ પર ઇન્ડોનેશિયાની નૌસેનાએ મોટી કાર્યવાહી કરતાં ચીનથી બાંગ્લાદેશ જઈ રહેલા એક શંકાસ્પદ જહાજને જપ્ત કર્યું છે. આ જહાજમાંથી ૪૦૫ ટન સોડિયમ પરક્લોરેટ નામનું કેમિકલ મળી આવ્યું છે.

ઇન્ડોનેશિયાના નૌકાદળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આટલા જથ્થાના કેમિકલનો ઉપયોગ કરીને ૧૦૦થી વધુ મિસાઈલો બનાવી શકાય છે. આ ઉપરાંત જહાજમાંથી લાખો બિનનોંધાયેલા 4G LTE સિમ કાર્ડ પણ મળી આવ્યાં છે. મળતી માહિતી મુજબ, MV Starline નામનું આ જહાજ ચીનના લિઆનયુંગેંગ પોર્ટથી બાંગ્લાદેશના મોંગલા પોર્ટ તરફ જઈ રહ્યું હતું.
જહાજમાં કુલ ૩૬ કન્ટેનર
કોમોરોઝ દેશનો ધ્વજ ધરાવતા આ જહાજમાં કુલ ૩૬ કન્ટેનર હતાં. તપાસ દરમિયાન તેમાંથી ૧૫ કન્ટેનરમાં આશરે ૪૦૫ ટન સોડિયમ પરક્લોરેટ કેમિકલ મળી આવ્યું હતું.અહેવાલ અનુસાર, MV Starline પોતાના નિર્ધારિત દરિયાઈ માર્ગને બદલે અન્ય માર્ગે આગળ વધી રહ્યું હતું.
જહાજની શંકાસ્પદ હિલચાલને ધ્યાનમાં રાખીને ઇન્ડોનેશિયાના નૌકાદળના જવાનોએ તેની તપાસ કરી હતી. જહાજ બેલાવનની જળસીમામાં ઈંધણ ભરાવવા માટે રોકાયું હતું. આ દરમિયાન તપાસ કરતાં કેમિકલ ઉપરાંત ૫૪ બોક્સમાં લાખો બિનનોંધાયેલા 4G
LTE સિમ કાર્ડ પણ મળી આવ્યાં હતાં.
સોડિયમ પરક્લોરેટ એક ઔદ્યોગિક રસાયણ અને શક્તિશાળી ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. તેનો ઉપયોગ વિવિધ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં થાય છે. તેનો ઉપયોગ રોકેટ અને મિસાઈલ પ્રોપેલન્ટના ઉત્પાદન સાથે પણ સંકળાયેલો છે. તે સફેદ પાવડર અથવા નાના દાણાના સ્વરૂપમાં જાેવા મળે છે.
ઇન્ડોનેશિયાના નૌકાદળના અધિકારીના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા કેમિકલનો જથ્થો ૧૦૦થી વધુ મિસાઈલો બનાવવા માટે પૂરતો હોઈ શકે છે. તપાસ દરમિયાન જહાજના રજિસ્ટ્રેશન દસ્તાવેજાેમાં પણ અનેક વિસંગતતાઓ સામે આવી હતી.
જહાજનું રજિસ્ટ્રેશન અગાઉથી જ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આટલી મોટી માત્રામાં કેમિકલ અને સિમ કાર્ડ કોણે મંગાવ્યાં હતાં તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી. હાલમાં આ જહાજ સાથે જાેડાયેલા માલસામાન, દસ્તાવેજાે અને તેની પાછળ સંકળાયેલા લોકો અંગે તપાસ કરવામાં આવી રહી છે.