Last Updated on by Sampurna Samachar
BCCI ની મેડિકલ ટીમને મનાવવામાં નિષ્ફળ ગયો શમી
લાંબા સ્પેલ ફેંકવાની તેની ક્ષમતા પર પ્રશ્નાર્થ
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL 2025 બાદ ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ટેસ્ટ સીરિઝ રમવા જવાની છે. ત્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આગામી ટેસ્ટ સીરિઝ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી છે. એવામાં ભારતીય ટીમ પહેલા કરતા નબળી પડી ગઈ છે. આ વચ્ચે હવે ભારતના અનુભવી બોલર મોહમ્મદ શમી (SHAMI) વિશે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ ભારત માટે પણ મોટો આંચકો બની શકે છે.
અહેવાલ મુજબ, અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી BCCI ની મેડિકલ ટીમને મનાવવામાં નિષ્ફળ ગયો છે. પસંદગીકારોને મોહમ્મદ શમીની સર્જરી બાદ તેની ફિટનેસમાં ઘટાડો થવા વિશે જણાવવામાં આવ્યું છે. પસંદગીકારોને મોહમ્મદ શમીની ફિટનેસ પર શંકા છે અને તેઓ આશ્ચર્યચકિત છે કે શું આ અનુભવી ખેલાડી ઇંગ્લેન્ડમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશે. કારણ કે લાંબા સ્પેલ ફેંકવાની તેની ક્ષમતા પર પ્રશ્નાર્થ છે.
હજુ સુધી ટીમની જાહેરાત બાકી
મળતા અહેવાલો અનુસાર પસંદગીકારો ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઝડપી બોલર અર્શદીપ સિંહ અને અંશુલ કંબોજ પર નજર રાખી રહ્યા છે. જોકે, હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. પસંદગીકારો કયા ખેલાડીઓને તક આપે છે તે જોવું રસપ્રદ રહેશે.
૨૦૨૩ના વર્લ્ડ કપ ફાઇનલ રમ્યા બાદ મોહમ્મદ શમી લગભગ ૧૪ મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યો હતો. તેમની સર્જરી થઈ હતી. આ કારણે શમીએ ૨૦૨૪ના T૨૦ વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો ન હતો. આ ઉપરાંત તે IPL ૨૦૨૪ નો પણ ભાગ નહોતો. જોકે, ત્યારબાદ શમી ઇંગ્લેન્ડ સામે રમાયેલી ૫ મેચની T૨૦ સીરિઝ દ્વારા ભારતીય ટીમમાં પાછો ફર્યો. આ પછી તેમણે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માં પણ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. પરંતુ શમી અપેક્ષા મુજબ સારું પ્રદર્શન કરી શક્યો નહીં. શમીનું તાજેતરનું પ્રદર્શન પણ સારું રહ્યું નથી. તેણે ૯ મેચમાં ૬ વિકેટ લીધી છે.