Last Updated on by Sampurna Samachar
નવો ભાવ પ્રતિ કિલો ફેટે રૂપિયા ૮૬૫ ચૂકવવામાં આવશે
દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૧૫નો ધરખમ વધારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટે સાબર ડેરી દ્વારા ખુશીના સમાચાર છે. ડેરીના નિયામક મંડળની મળેલી મહત્વની બેઠક બાદ દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આગામી ૧ જૂનથી પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા ૧૫નો વધારો કરવાનો મસમોટો ર્નિણય લેવાયો છે, જેને પગલે પશુપાલકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.સાબર ડેરીના આ ઐતિહાસિક ર્નિણયના કારણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આશરે સાડા ત્રણ લાખ જેટલા નાના-મોટા પશુપાલકોને સીધો આર્થિક લાભ થશે. અત્યાર સુધી પશુપાલકોને જે ભાવ મળતો હતો.
પશુપાલકોને દર મહિને ૧૦ કરોડથી વધુની ચુકવણી કરાશે
તેમાં રૂ.૧૫નો વધારો થતાં હવેથી નવો ભાવ પ્રતિ કિલો ફેટે રૂપિયા ૮૬૫ ચૂકવવામાં આવશે. હાલના સમયમાં વધી રહેલા ઘાસચારાના ખર્ચ, પશુ આહારના આસમાને પહોંચેલા ભાવ અને મોંઘવારીની વચ્ચે સાબર ડેરીનો આ ર્નિણય પશુપાલકો માટે ખૂબ જ મોટો આશીર્વાદરૂપ અને આર્થિક ટેકો આપનારો સાબિત થશે.
નિયામક મંડળની બેઠક બાદ સત્તાવાર વિગતો આપતા જણાવાયું છે કે, આ ભાવ વધારાના કારણે સાબર ડેરી દ્વારા પશુપાલકોને દર મહિને અંદાજે રૂપિયા ૧૦ કરોડથી વધુ રકમની વધારાની ચૂકવણી કરવામાં આવશે.
આ ઉપરાંત, પશુપાલકો દ્વારા આગામી ૩૦ જૂન પહેલાં જ દૂધના ભાવફેરની ચૂકવણી કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી, જેને ગ્રાહ્ય રાખતા ડેરી તંત્ર દ્વારા ગત વર્ષ કરતાં પણ વધુ ભાવફેર ચૂકવવામાં આવશે તેવી મક્કમ ખાતરી આપવામાં આવી છે. ડેરીના આ વલણથી શ્વેતક્રાંતિ સાથે જોડાયેલા જગતના તાતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.