Last Updated on by Sampurna Samachar
BCCI પાસે એક મહિનામાં અરજીનો લેખિત જવાબ માંગ્યો
દિલ્હી પ્રેસ પબ્લિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા થઇ અરજી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી પ્રેસ ન્યૂઝપેપર પબ્લિકેશન દ્વારા IPL ૨૦૨૫ માં રોબોટ ડોગનું નામ ‘ચંપક‘ રાખવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ૧૯૬૮ થી ચંપક કોમિક બુક પ્રકાશિત થઇ રહ્યું છે. આ અંગે દિલ્હી પ્રેસનું કહેવું છે કે તેનું નામ બાળકોના કોમિક બુક ‘ચંપક‘ પરથી રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, પ્રેસે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ (HIGH COURT) માં અરજી પણ દાખલ કરી છે. જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે BCCI એ રોબોટ ડોગને ‘ચંપક‘ કહીને રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કર્યું છે.
બાર અને બેન્ચના અહેવાલ મુજબ, દિલ્હી પ્રેસ વતી એડવોકેટ અમિત ગુપ્તાએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, ‘ચંપક કોમિક બુક બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને BCCI દ્વારા લોન્ચ કરાયેલ AI રોબોટ ડોગનું નામ કોમિક બુક પર રાખવું એ મેગઝીનના રજીસ્ટર્ડ નામનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
આગામી સુનાવણી ૯ જુલાઇના રોજ થશે
ન્યાયાધીશ સૌરભ બેનર્જીએ કહ્યું કે, ‘ચંપક હંમેશાથી એક જાણીતું બ્રાન્ડ નામ રહ્યું છે અને BCCI ને ચાર અઠવાડિયામાં અરજીનો લેખિત જવાબ આપવાનો રહેશે.‘ કોર્ટે કેસની આગામી સુનાવણી ૯ જુલાઈના રોજ નક્કી કરી છે. આ અરજી દિલ્હી પ્રેસ પબ્લિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવી છે.
જો આ AI રોબોટ ડોગની વાત કરીએ તો હાલ IPL ચાલી રહી છે. આ સમય દરમિયાન જ તેને લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ પાછળથી ફેન્સના વોટિંગના આધારે ૨૩ એપ્રિલના રોજ આ રોબો ડોગનું નામકરણ કરવામાં આવ્યું હતું. પ્રકાશક વતી હાજર રહેલા એડવોકેટ અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે રોબો ડોગનું નામ ‘ચંપક‘ રાખવું એ તેના રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન છે અને ચંપક એક જાણીતી બ્રાન્ડ હોવાથી વ્યાપારી શોષણ પણ છે.
જોકે, BCCI વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ જે સાઈ દીપકે અરજીનો વિરોધ કરતા કહ્યું કે, ‘ચંપક એક ફૂલનું નામ છે અને લોકો રોબો ડોગને કોઈ કોમિક બુક સાથે નહીં પરંતુ ટીવી સિરીઝ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્ર સાથે જોડી રહ્યા છે.
સુનાવણી દરમિયાન, ન્યાયાધીશે મૌખિક રીતે કહ્યું કે, ‘ક્રિકેટર વિરાટ કોહલીનું નીકનેમ ‘ચીકુ‘ છે, જે ચંપક કોમિક બુકના પાત્રોમાંનું એક છે. તો પ્રકાશકે તેમની સામે કાર્યવાહી કેમ ન કરી?‘ જ્યારે કોર્ટે પૂછ્યું કે આ ટ્રેડમાર્ક ઉલ્લંઘન કેવી રીતે છે, ત્યારે વકીલે કહ્યું કે, ‘IPL એક વ્યાપારી સંસ્થા છે અને તે જાહેરાત, માર્કેટિંગ અને કમાણી પર આધારિત છે.‘ કોર્ટે કેસની આગામી સુનાવણી ૯ જુલાઈના રોજ કરવામાં આવશે.