Last Updated on by Sampurna Samachar
યુવકના અગાઉ થયા હતા લગ્ન
યુવકને પાણીની બોટલ લેવા મોકલી ફરાર થઇ ગઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા અને ખાનગી શોપમાં સેલ્સ કો-ઓર્ડીનેટર તરીકે નોકરી કરતા એક પરણિત યુવકને તેની પત્ની સાથે મનમેળ ન આવતા વર્ષ ૨૦૧૭ માં તેણે છૂટાછેડા લીધા હતાં. જેથી ચારેક મહીનાપહેલા આ યુવકના મામાએ તેણે કહ્યું હતું કે, તેમની દુકાનએ ભરત વસૌયા નામનો વ્યક્તિ આવે છે, જેની ધરમની બહેનના લગ્ન કરવાના બાકી છે. આમ ફરિયાદી યુવક અને યુવતી વચ્ચે મુલાકાત થયા બાદ બંને લગ્ન કરવા માટે રાજી થયા હતાં.
બધુ નક્કી થયું ત્યારે ભરત વસૌયાએ કહ્યું કે, યુવતીની માતાને રૂ. ૧.૬૦ લાખ આપવાની શરત મૂકી હતી. આ ઉપરાંત, લગ્નની ખરીદી માટે રૂ. ૫૦,૦૦૦ અને યુવતીના માતા-સંબંધીઓના મહારાષ્ટ્રના ઔરંગાબાદથી આવવાના ખર્ચ માટે રૂ. ૧૫,૦૦૦ ની માંગણી કરી હતી, યુવકે આ તમામ રકમ ચૂકવી હતી. આ ઉપરાંત યુવકે, ભરતને ઓનલાઈન રૂ. ૯,૦૦૦ પણ ટ્રાન્સફર કરી આપ્યા હતાં. આટલા બધા પૈસાની ચૂકવણી બાદ ગત ૧૬મી જાન્યુઆરીએ યુવક અને યુવતીએ નરોડા દહેગામ રોડ પર આવેલ એક મેરેજ પોઇન્ટમાં સામાજિક રીતે લગ્ન કર્યા હતાં.
ચક્કર આવવાનુ નાટક રચી થઇ રફુચક્કર
લગ્ન દરમિયાન પણ યુવકે યુવતીને સોનાનું મંગળસૂત્ર, કપડાં અને ચાંદીના જાંજર ભેટ આપ્યા હતા. વધુમાં લગ્ન બાદ પણ ભરત વસૌયાએ એક લાખ રોકડા લીધા હતાં. લગ્નના બીજા દિવસે નરોડા ખાતે મેરેજ રજિસ્ટ્રારની કચેરીમાં લગ્નની નોંધણી માટે જવાનું હતું. આ દરમિયાન યુવતીના પિયર પક્ષે જમણવારના ખર્ચ માટે રૂ. ૫૦ હજારની માંગણી કરી, જે યુવકે ભરતને આપી દીધા હતા. આ બાદ ભરતે આંગડિયા કરવાનું બહાનું બનાવીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.
બીજી તરફ યુવતીએ ચક્કર આવવાનું નાટક કરી યુવકને પાણીની બોટલ લેવા મોકલી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. યુવકે બંનેના ફોન નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંનેના ફોન સ્વિચ ઓફ હતા. ત્યારે યુવકને જાણ થઈ કે લગ્નના નામે તેની સાથે ફ્રોડ થયો છે. જેથી ભોગબનેલા યુવકે જ સમગ્ર ઘટનાની જાણ કૃષ્ણનગર પોલીસને કરી હતી. પોલીસે ૨.૧૫ લાખ રોકડા, ૯ હજાર ઓનલાઇન, મંગળસુત્ર અને ચાંદીની પાયલ ઇને ફરાર થયેલી યુવતી અને સહ આરોપી ભરતને પકડવા અંગેની તપાસ શરૂ કરી છે.