Last Updated on by Sampurna Samachar
અમદાવાદ સ્માર્ટ સિટીને આગળ ધપાવવા સરકારનો મોટો પ્રોજેક્ટ
સાબરમતી રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર
(સંપૂર્ણ સમાચાર સેવા)
મેગા સિટી અમદાવાદને ધીરે ધીરે ઇન્ટરનેશનલ ટુરિઝમનુ જાણે હબ બની રહ્યુ છે. ત્યારે મેગા સિટીને સ્માર્ટ સિટીના વિઝનને આગળ લઇ જતાં અમદાવાદના પાંચ મુખ્ય રેલવે સ્ટેશનોના રિડેવલોપમેન્ટનું કામ હાલ પૂર ઝડપે ચાલી રહ્યું છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોને સાંકળતા મુખ્ય પાંચ સ્ટેશનોના મેકઓવરનું કાર્ય અત્યારે પ્રગતિમાં છે. જેમાં કાલુપુર (અમદાવાદ સેન્ટ્રલ), સાબરમતી, મણિનગર, અસારવા અને વટવાનો સમાવેશ થાય છે. આ પાંચેય સ્ટેશનો આગામી સમયમાં નવા રંગરૂપ અને આધુનિક સુવિધાઓ સાથે સજ્જ જોવા મળશે, જેનાથી રોજિંદા લાખો મુસાફરોની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે.
૧૨૦૦થી વધુ વાહનો પાર્ક થઈ શકે તેવો અદ્યતન પાર્કિંગ એરિયા
આ સમગ્ર પ્રોજેક્ટમાં સાબરમતી રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. સાબરમતી સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે અંદાજે રૂ.૩૩૪.૯૨ કરોડનો માતબર ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ નવું સ્ટેશન માત્ર ટ્રેન પકડવા માટેની જગ્યા નહીં, પરંતુ એક હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.
નવા સાબરમતી સ્ટેશનની આધુનિક સુવિધાઓ :-
વર્લ્ડ ક્લાસ ફૂડ કોર્ટ અને રિટેઇલ એરિયામાં મુસાફરો માટે બ્રાન્ડેડ આઉટલેટ્સ અને ખાણી-પીણીની ઉત્તમ વ્યવસ્થા. નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓ માટે ખાસ પ્રાઈવેટ અને સુરક્ષિત સ્પેસ. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ૧૨૦૦થી વધુ વાહનો પાર્ક થઈ શકે તેવો અદ્યતન પાર્કિંગ એરિયા.
સાબરમતી સ્ટેશનની સૌથી મોટી વિશેષતા તેનું મલ્ટી-મોડલ હબ છે. થોડા જ સમયમાં અમદાવાદના નાગરિકો અને બહારથી આવતા પ્રવાસીઓને એક અદભુત સુવિધા મળવા જઈ રહી છે. સાબરમતીથી કનેક્ટિવિટીના તમામ માધ્યમો એકઠા થશે. મુસાફરો માત્ર એક જ જગ્યાએથી તમામ પરિવહન સેવાઓનો લાભ લઈ શકશે. જેમાં બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, ભારતીય રેલવે અને BRTS અને AMTS બસ સેવાનો લાભ લઈ શકશે.