Last Updated on by Sampurna Samachar
દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરે ટીમ માટે કરી મોટી આગાહી
ટાઇટલ મેચ ૩ જૂને અમદાવાદના યોજાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રજત પાટીદારના નેતૃત્વ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) IPL ૨૦૨૫ ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ ટાઇટલ મેચ ૩ જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવા જઈ રહી છે. RCB નવ વર્ષ પછી IPL ની ફાઇનલમાં પહોંચી છે, જ્યાં તેને છેલ્લે ૨૦૧૬ માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરે (David Warner) ટીમ વિશે મોટી આગાહી કરી છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ બની શકે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ચાહકના પ્રશ્નનો જવાબ આપતા વોર્નરે કહ્યું કે લાંબા સમયથી પોતાના પહેલા ખિતાબ માટે ઝંખતી RCB તેની પ્રિય ટીમ છે. તેમણે પોતાના ભૂતપૂર્વ સાથી અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ વિશે આગાહી કરી હતી કે તે ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતશે.
કાંગારૂ ફાસ્ટ બોલર પ્લેયર ઓફ ધ મેચ બન્યો
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ IPL ની ફાઇનલ મેચમાં કાંગારૂ ફાસ્ટ બોલર પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો, જ્યારે કોલકાતા નાઈટ રાઇડર્સના મિશેલ સ્ટાર્કે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેચ વિનિંગ સ્પેલ ફેંકીને પોતાની ટીમને વિજય અપાવ્યો હતો.
હેઝલવુડ IPL ૨૦૨૫ માં શાનદાર ફોર્મમાં છે. તેણે આ સિઝનમાં ૧૧ મેચમાં ૧૫.૮૦ ની સરેરાશ અને ૧૧.૪૦ ના સ્ટ્રાઈક રેટથી ૨૧ વિકેટ લીધી છે. ખભાની ઈજાને કારણે તે કેટલીક મેચ રમી શક્યો ન હતો, પરંતુ તેણે ક્વોલિફાયર-૧ માં જોરદાર વાપસી કરી અને પંજાબ કિંગ્સ સામે ત્રણ વિકેટ લઈને શ્રેષ્ઠ બોલરોમાંનો એક રહ્યો છે.