Last Updated on by Sampurna Samachar
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પંજાબમાં રેડ
બેગ ઇમારતના નવમા માળેથી નીચે ફેંકી દીધી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દ્વારા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના OSD ના નજીકના સહયોગીઓ પર ગાળિયો કસ્યો છે. પંજાબના SAS નગર અને ચંદીગઢ સ્થિત ત્રણ સ્થળો ઉપરાંત કુલ ૧૨ જગ્યાએ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ખરડ સ્થિત એક રહેણાંક સોસાયટી વેસ્ટર્ન ટાવર્સમાં દરોડા દરમિયાન, ED એ બે બેગ જપ્ત કરી હતી, જેમાં કથિત રીતે આશરે ૨૦ લાખ રૂપિયા રોકડા હતા. આ બેગ ઇમારતના નવમા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હતી.
મોટા પાયે છેતરપિંડી અને સેંકડો કરોડ રૂપિયા ઠગવાનો આરોપ
મહત્ત્વનું છે કે ED એ સનટેક સિટી પ્રોજેક્ટના સંદર્ભમાં મોહાલી અને ચંદીગઢમાં ૧૨ સ્થળો પર સર્ચ હાથ ધર્યું છે. આ કેસમાં કથિત રીતે અજય સહગલ, ABS ટાઉનશીપ્સ પ્રાયવેટ લિમિટેડ, એટલાસ બિલ્ડર્સ, ધીર કન્સ્ટ્રક્શન અને તેમના સહયોગીઓ સામેલ છે. તેમના પર GMADA પાસેથી CLU લાયસન્સ મેળવવામાં મોટા પાયે છેતરપિંડી કરવાનો અને જનતાને છેતરીને સેંકડો કરોડ રૂપિયા ઠગવાનો આરોપ છે.
આ તપાસ દરમિયાન ED ના અધિકારીઓએ ખરડ પાસે છજ્જૂ માજરા સ્થિત વેસ્ટર્ન ટાવર્સના ફ્લેટ નંબર ૯૦૬માં ગઈ હતી. તરત જ રોકડથી ભરેલી તે બેગને પોતાના કબજામાં લીધી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, ‘ફ્લેટમાં હાજર લોકોએ તાત્કાલિક રોકડથી ભરેલી બે બેગ નીચે જમીન પર ફેંકી દીધી હતી. ED ના અધિકારીઓએ તરત જ તે બેગને પોતાના કબજામાં લીધી અને સ્થળ પર વિખરાયેલા નોટોના બંડલો એકઠા કરી લીધા હતા.‘
હાલ ED નીતિન ગોહલના અનેક સ્થળો પર પણ તપાસ કરી રહી છે, કારણ કે તેમના પર કથિત આરોપ છે કે તેઓ એવા બિલ્ડરોને મદદ કરી રહ્યા છે જેમણે GMADA ની ફી ચૂકવી નથી અને તેઓ તેમના માટે રાજકીય સંરક્ષણની વ્યવસ્થા કરી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી ભગવંત માનના OSD રાજબીર ઘુમનના નજીકના સહયોગી છે. નીતિન ગોહલ પર પંજાબ CMO વતી એક સંપર્ક અધિકારી તરીકે કામ કરવાની પણ શંકા છે.