Last Updated on by Sampurna Samachar
ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની સેવા નિયમિત ન હોવાની રાવ
સુરત પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે ઉકરડો યથાવત
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના સ્વચ્છતા સર્વેક્ષણમાં આગળ રહેનારા સુરત શહેરમાં જ કેટલીક જગ્યાએ સ્વચ્છતાના લીરા ઉડ્યા છે. વાત કરીએ તો શહેરના સેન્ટ્રલ ઝોન હેઠળના સલાબતપુરા વિસ્તારમાં આવેલી પાલિકાની ડીકેએમ હોસ્પિટલ નજીક છેલ્લા આશરે ૧૫ દિવસથી રસ્તા પર કચરાનો ઉકરડો પડ્યો હોવાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ અંગે અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની સેવા પણ નિયમિત ન મળતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ચોમાસામાં રોગચાળો ફેલાવવાની ભિતી
પરિણામે જાહેર માર્ગ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. ચોમાસાની ઋતુ નજીક આવતાં મચ્છરજન્ય અને ચેપી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. જોકે, માત્ર પાલિકા તંત્રને જ જવાબદાર ઠેરવવા સાથે કેટલાક વિસ્તારોમાં લોકો દ્વારા પણ જાહેર સ્થળોએ કચરો ફેંકવાની વૃત્તિને કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સ્વચ્છ સુરતનું ગૌરવ જાળવવા માટે પાલિકાએ કચરા ઉપાડવાની વ્યવસ્થા વધુ અસરકારક બનાવવાની સાથે નાગરિકોએ પણ પોતાની જવાબદારી નિભાવવી જરૂરી બની છે. અન્યથા સ્વચ્છતાના દાવાઓ વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં ગંદકી ફેલાઈ રહી છે તે પાલીકા અને લોકો બંને માટે ચિંતાજનક છે.