Last Updated on by Sampurna Samachar
ડીસામાં શુદ્ધ ઘીના નામે થતી ભેળસેળનો પર્દાફાશ
કુલ ૧૪૪૪ કિલો શંકાસ્પદ ઘી કબજે કરાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડીસા શહેરમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળિયું ઘી વેચતી પેટીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ત્રણ અલગ-અલગ પેઢીઓ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બજારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી વેચાઈ રહેલા આ ઘીના જથ્થાને તાત્કાલિક અસરથી સીઝ કરવામાં આવ્યો છે.

ફૂડ વિભાગે આ દરોડા દરમિયાન કુલ ૧૪૪૪ કિલો શંકાસ્પદ ઘી કબજે કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે ૮,૨૮,૪૯૦ રૂપિયા આંકવામાં આવી છે. તપાસ દરમિયાન ‘પરિવાર કાઉ ઘી‘, ‘કવિરાજ કાઉ ઘી‘ અને ‘શ્રેષ્ઠ કાઉ ઘી‘ જેવી વિવિધ બ્રાન્ડના નામે વેચાતા ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ બ્રાન્ડ્સના નામે શુદ્ધ ગાયના ઘી તરીકે માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હતું.
કડક કાર્યવાહીને પગલે ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ
ફૂડ વિભાગે જપ્ત કરેલા ઘીના જથ્થામાંથી નમૂના લઈ તેને પૃથક્કરણ માટે FSL માં મોકલી આપ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ આ ઘીમાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવી હતી તે સ્પષ્ટ થશે. ફૂડ વિભાગની આ કડક કાર્યવાહીને પગલે ભેળસેળ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં.