Last Updated on by Sampurna Samachar
૫૦ ધારાસભ્યો પણ આમ આદમી પાર્ટી છોડી શકે
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગે કહ્યું કે, જ્યારે પૈસા વિચારધારા પર હાવી થાય, ત્યારે આવું જ થાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ આદમી પાર્ટી હાલ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. AAP ના ટોચના નેતા રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ સહિત સાત સાંસદો કેજરીવાલનો સાથ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે, જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસે AAP ના ટેન્શનમાં વધારો કરતો દાવો કર્યો છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગે દાવો કર્યો છે કે, માત્ર સાત સાંસદો જ નહીં, ૫૦ ધારાસભ્યો પણ આમ આદમી પાર્ટી છોડી શકે છે. તેમણે કહ્યું કે, જ્યારે પૈસા વિચારધારા પર હાવી થાય, ત્યારે આવું જ થાય છે.
પક્ષપલટો થવો સ્વાભાવિક
પંજાબ કોંગ્રેસના નેતા વડિંગએ કહ્યું કે, ‘હું તો એમ કહ્યું છું કે, આમ આદમી પાર્ટી સાવધાન રહે. એવું ન બને કે, તમારા ૫૦ ધારાસભ્યો એક જ દિવસમાં પક્ષ બદલી નાખે. આ તો માત્ર સાંસદો ગયા છે.
જ્યારે પાર્ટી કોઈપણ નિયમો બનાવ્યા વગર ર્નિણયો લે છે, પાર્ટી પાસે વિચારધારા હોતી નથી અને તમે નાણાં લઈને રાજ્યસભા મેમ્બર બનાવી તેઓ પાસે કામની મદદ લો છો, તો પક્ષપલટો થવો સ્વાભાવિક છે.’
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, ‘મને ચિંતા છે કે, કંઈક આવી જ રીતે ધારાસભ્યો ન ભાગી જાય. કારણ કે અનેક ધારાસભ્યોને ડર છે, કેટલાક પાર્ટીથી નારાજ છે. હું સમજું છું કે, આમ આદમી પાર્ટી સાથે જે બન્યું તે જોઈને અન્ય પક્ષોએ શીખવું જોઈએ. પાર્ટી છોડનારા આ સાંસદોને પંજાબમાં કોઈ ઓળખતું નથી.
જ્યારે તેમને સાંસદ બનાવાયા હતા તો લોકોએ તેમના નામ પણ સાંભળ્યા ન હતા. રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠકને પંજાબ સાથે કોઈ લેવાદેવા નથી, જ્યારે સૈની દિલ્હીમાં રહે છે.’
તેમણે કહ્યું કે, ‘જો વિચારધારા ધરાવના વ્યક્તિની પસંદગી નહીં કરો તો પાર્ટી સાથે આવું જ થશે. આવો માલ ઝાડુની પાસે રહે કે પછી ભાજપમાં જતો રહે, તેનાથી અમને કોઈ પરક પડતો નથી, કારણ કે અમારી સાથે નાણાંવાળા કોઈ છે જ નહીં. અમારી સાથે તો સામાન્ય લોકો છે. અમે હરિયાણામાં એક ગરીબ-દલિત અને યુનિયન લીડરને રાજ્યસભાના સભ્ય બનાવ્યા.
અમે હિમાચલ પ્રદેશના જિલ્લા પ્રમુખને રાજ્યસભા સભ્ય બનાવ્યા.’ AAP છોડનારા સાંસદો અંગે તેમણે કહ્યું કે, ‘આ તો તમારા જ લોકો હતા, તમે તેમને મોટા-મોટા ઘર આપ્યા હતા, તમે તેમને સિક્યોરિટી આપી હતી… તમે તેઓને ક્યાં ફ્રીમાં સાંસદ બનાવ્યા હતા, દુનિયા બધું જાણે છે.’