Last Updated on by Sampurna Samachar
નોન-લીનીયર જંક્શન ડિટેક્ટર મશીનનો ઉપયોગ કરાયો હતો
સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદ જિલ્લાના ડોકી સ્થિત સબજેલ અને દેવગઢ બારિયા સબજેલમાં કરવામાં આવેલી અલગ-અલગ તપાસ દરમિયાન મોબાઇલ ફોન, સિમકાર્ડ, સિગારેટ, બીડી અને તંબાકુની પડીકીઓ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાતા જેલ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. બંને બનાવોને લઈને સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, દાહોદના ડોકી ખાતે આવેલી સબજેલમાં યાર્ડ નંબર-૨ની બેરેક નંબર-૬માં કેદીઓની શંકાસ્પદ હિલચાલને ધ્યાનમાં રાખી જેલ તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નોન-લીનીયર જંક્શન ડિટેક્ટર મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અમદાવાદની સ્ક્વોડના જેલરે ઓચિંતી તપાસ હાથ ધરી હતી
તપાસમાં બેરેક નજીક ઘાસની અંદર છુપાવી રાખેલા મોબાઇલ ફોન, સિગારેટ, બીડી અને તંબાકુની પડીકીઓ મળી આવી હતી. જેલમાં ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓ રાઉન્ડ દરમિયાન આ પ્રતિબંધિત વસ્તુઓ કબજે કરવામાં સફળ રહ્યા હતા. સમગ્ર મામલે ત્રણ કેદીઓ સામે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ દેવગઢ બારિયા સબજેલમાં અમદાવાદની સ્ક્વોડના જેલર દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બેરેક નંબર-૮માંથી જિઓ કંપનીનું સિમકાર્ડ મળી આવ્યું હતું, જ્યારે બેરેક નંબર-૭માંથી કાળા રંગનો મોબાઇલ ફોન ઝડપાયો હતો.
પ્રાથમિક તપાસમાં બેરેક નંબર-૮માં કાચા કામના કેદી અજય ઉર્ફે અજુ સુરેશચંદ્ર બડદવાલની સંડોવણી સામે આવતાં તેના વિરુદ્ધ અનધિકૃત રીતે પ્રતિબંધિત વસ્તુઓ રાખવા અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
બંને સબજેલોમાં બનેલી આ ઘટનાઓ બાદ જેલ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં કેવી રીતે પહોંચી તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.