Last Updated on by Sampurna Samachar
રાજસ્થાનની પચપદરા ઓઇલ રિફાઈનરીમાં આગ
રિફાઇનરીના એક યુનિટમાં ભીષણ આગ ફાટી નીકળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલી ઓઈલ રિફાઇનરી પચપદરામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧ એપ્રિલે આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના છે, તેના બરાબર એક દિવસ પહેલા જ રિફાઇનરીના એક યુનિટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે.

આગ એટલી વિકરાળ છે કે રિફાઇનરીના પ્લાન્ટમાંથી કાળા ધુમાડાના ઊંચા ગોટેગોટા આકાશમાં જોવા મળીરહ્યા હતા. આગ લાગતા જ રિફાઇનરી પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરચક્ર ગતિમાન કરવામાં આવ્યું છે.
સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ
ઘટનાની જાણ થતાં જ રિફાઇનરીના કર્મચારીઓએ ફાયર સેફ્ટી સિસ્ટમ એક્ટિવ કરી દીધી છે. ફાયર ફાઇટરોની અનેક ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. હાલમાં આ આગ કયા કારણોસર લાગી છે તેનું સત્તાવાર કારણ બહાર આવ્યું નથી. ઉદ્ઘાટન પહેલા જ બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ૨૧ એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મેગા પ્રોજેક્ટનું લોકાર્પણ થવાનું છે. આરિફાઇનરી ભારતની સૌથી મોટી અને આધુનિક રિફાઇનરીઓમાંની એક માનવામાં આવે છે. ઉદ્ઘાટનના માત્ર ૨૪કલાક પહેલા જ સર્જાયેલી આ આગની ઘટનાએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે.