Last Updated on by Sampurna Samachar
પ્રીતિ સુદાનનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ચેરમેન પદ છોડ્યું
સંરક્ષણ સચિવ તરીકે સેવા આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ અજય કુમારને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કેન્દ્રીય કર્મચારી મંત્રાલયના એક આદેશમાં આ માહિતી આપવામાં આવી હતી. પ્રીતિ સુદાનનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ૨૯ એપ્રિલથી UPSC ચેરમેન પદ ખાલી પડ્યું હતું.
આદેશ અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અજય કુમારની UPSC અધ્યક્ષ તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. અજયકુમારના સર્વિસ રેકોર્ડ મુજબ કેરળ કેડરના ૧૯૮૫ બેચના નિવૃત્ત ભારતીય વહીવટી સેવા અધિકારીએ ૨૩ ઓગસ્ટ, ૨૦૧૯ થી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૨ સુધી સંરક્ષણ સચિવ તરીકે સેવા આપી હતી.
UPSC ચેરમેનની નિમણૂક છ વર્ષ માટે
અજય કુમારે મિનેસોટા યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં PHD અને એપ્લાઇડ ઇકોનોમિક્સમાં MS કર્યું છે, જે તેમણે માત્ર ત્રણ વર્ષમાં પૂર્ણ કર્યું છે. વધુમાં, તેઓ IIT કાનપુરમાંથી B.Tech સ્નાતક છે અને ઇન્ડિયન નેશનલ એકેડમી ઓફ એન્જિનિયર્સના ફેલો છે.
અજય કુમાર ભારતના સૌથી વરિષ્ઠ અમલદારોમાંના એક છે, જેઓ સંરક્ષણ સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. તેમણે સંરક્ષણ વિભાગમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની રચના, અગ્નિવીર યોજના, આર્ત્મનિભર ભારત પહેલ અને ઓર્ડનન્સ ફેક્ટરીઓનું કોર્પોરેટાઇઝેશન જેવા પરિવર્તનકારી સંરક્ષણ સુધારાનું નેતૃત્વ કર્યું.
ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયમાં એક ઉચ્ચ અધિકારી તરીકે અજય કુમારે PM મોદીના નેતૃત્વમાં UPI , આધાર, માયગોવ અને સરકારી ઇ-માર્કેટપ્લેસ જેવા ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટ્સને અમલમાં મૂકવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ ઉત્પાદન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અજય કુમારે રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સ નીતિ ૨૦૧૨ પણ ઘડી હતી. અજય કુમારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની સરકાર સાથે કામ કર્યું, સાથે જ ભારત સરકાર અને કેરળ સરકાર બંનેમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. જેમાં કેલ્ટ્રોનના મુખ્ય સચિવ અને સ્ડ્ઢ તરીકેનો સમાવેશ થાય છે, જેને તેમણે પુનર્જીવિત કરવામાં મદદ કરી હતી.
IAS , IFS અને IPS માટે અધિકારીઓની પસંદગી માટે UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરે છે, તેનું નેતૃત્વ એક અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. આમાં વધુમાં વધુ ૧૦ સભ્યો હોઈ શકે છે. હાલમાં, કમિશનમાં બે સભ્યોની જગ્યા ખાલી છે. UPSC ચેરમેનની નિમણૂક છ વર્ષ માટે અથવા તેઓ ૬૫ વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યાં સુધી કરવામાં આવે છે.