Last Updated on by Sampurna Samachar
સુપ્રિયા સુલેની દીકરીના રોયલ વેડિંગમાં દિગ્ગજોનો જમાવડો
એશિયાના ટોચના ઉદ્યોગપતિઓની હાજરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા અને NCP સુપ્રીમો શરદ પવારની પૌત્રી રેવતીના લગ્નની હાલ ચારેકોર જોરદાર ચર્ચા ચાલી રહી છે. મુંબઈના આલિશાન જિયો કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા આ ભવ્ય લગ્ન સમારોહમાં રાજકારણ, બિઝનેસ, રમતગમત અને બોલિવૂડ જગતની તમામ મોટી હસ્તીઓ ઉમટી પડી હતી. રાહુલ ગાંધીથી લઈને RSS ચીફ મોહન ભાગવત અને અમિતાભ બચ્ચનથી લઈને ગૌતમ અદાણી તથા મુકેશ અંબાણી જેવા દિગ્ગજોએ આ હાઈ-પ્રોફાઈલ લગ્નમાં હાજરી આપીને ચાર ચાંદ લગાવી દીધા હતા.

રેવતી સુલેના લગ્ન ભાજપના ધારાસભ્ય અને જાણીતા ઉદ્યોગપતિ અરુણ લાખાણીના પુત્ર સારંગ લાખાણી સાથે થઈ રહ્યા છે. અરુણ લાખાણી વિશ્વરાજ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. જ્યારે જમાઈ સારંગ પોતે એક શાનદાર બેડમિન્ટન ખેલાડી છે, જેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂક્યા છે. આ લગ્ન કોઈ રોયલ વેડિંગથી કમ નહોતા.
અનેક મોટા નેતાઓએ આપી હાજરી
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન તેમના પત્ની જયા બચ્ચન સાથે આ સમારોહમાં ખાસ જોવા મળ્યા હતા. જ્યારે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને તો લગ્નમાં જોરદાર ડાન્સ કરીને મહેમાનોને ડોલાવી દીધા હતા. કરણ જોહરે પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી.

બિઝનેસ જગતની વાત કરીએ તો એશિયાના ટોચના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી , ગૌતમ અદાણી અને અનિલ અંબાણી પણ નજરે પડ્યા હતા. આ ઉપરાંત સીરમ ઈન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લગ્નનું સૌથી મોટું આકર્ષણ એ હતું કે વિરોધી વિચારધારા ધરાવતા રાજનેતાઓ એક જ છત નીચે હળતા-મળતા જોવા મળ્યા હતા. દેશભરમાંથી અનેક મોટા નેતાઓએ આ સમારોહમાં હાજરી આપી હતી.