Last Updated on by Sampurna Samachar
LIC ના પૈસા અપાવવાના બહાને ખેલ ખેલનારા ૨ ઝડપાયા
આરોપીઓએ મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ અને NPCI ના અધિકારીઓ બનીને વૃદ્ધાનો સંપર્ક કર્યો હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
શહેરમાં સાયબર ગઠિયાઓએ માસૂમ નાગરિકોને શિકાર બનાવવાની નવી તરકીબ અજમાવી છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલા પોલિસીની બાકી રકમ મેળવવાની લાલચમાં ૪૮ લાખ ગુમાવી બેઠા છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે સઘન તપાસ કરીને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી બે આરોપીઓ સુમિતકુમાર કોલી અને આશુ અગ્રવાલની ધરપકડ કરી છે.

આરોપીઓએ મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ અને LIC ના અધિકારીઓ બનીને વૃદ્ધાનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મહિલાના NPCI ના ૧૦ લાખ સરકારમાં જમા છે. આ રકમ પરત મેળવવા માટે ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી અને ફીના નામે વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૬ દરમિયાન ટુકડે-ટુકડે ૪૮ લાખ પડાવ્યા હતા. ગઠિયાઓએ વૃદ્ધાને ૧.૪૮ કરોડ મળવાપાત્ર હોવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા.
પોલીસે બંનેની ધરપકડ કરી
ચોંકાવનારી વિગત એ છે કે આરોપીઓએ ફરિયાદીના નામે જ ICICI અને HDFC બેંકમાં ખાતા ખોલાવ્યા હતા. એટલું જ નહીં, વૃદ્ધા પાસેથી બેંક એકાઉન્ટની આખી કીટ પાર્સલ દ્વારા મંગાવી લીધી હતી, જેથી ખાતાનું સંચાલન આરોપીઓ પોતે જ કરતા હતા. ઠગાઈની રકમ વૃદ્ધાના જ ખાતામાં જમા થતી હોવાથી તેમને શંકા ગઈ નહોતી.
ઝડપાયેલો બીજો આરોપી આશુ અગ્રવાલ ફૂટપાથ પર સિમકાર્ડ વેચવાનું કામ કરતો હતો. તે નિર્દોષ ગ્રાહકોના બાયોમેટ્રિક અને આધારકાર્ડનો દુરુપયોગ કરીને એકના બદલે બે સિમકાર્ડ એક્ટિવ કરતો હતો. આ ગેરકાયદેસર સિમકાર્ડ તે સાયબર ગુનેગારોને બ્લેકમાં વેચતો હતો. આરોપી સુમિતે સુપ્રીમ કોર્ટ અને CBI ના નામે નકલી ઈ-મેઈલ તેમજ આઈકાર્ડ બનાવી વૃદ્ધા સાથે છેતરપિંડી આચરી હતી. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.