Last Updated on by Sampurna Samachar
આમોદમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો
પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું કર્યું હતું અને હાલ એડી નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક ઘટના સામે આવી છે. આમોદના સોનામાં ગામ અને રોધ ગામની સીમ વચ્ચે આવેલા ખેતર વિસ્તારમાંથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક રાહદારીઓએ સીમ વિસ્તારમાં મૃતદેહ જોતા જ તુરંત આમોદ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ આમોદ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું કર્યું હતું અને હાલ એડી નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ માટે સૌથી મોટી મુશ્કેલી
મૃતદેહને ઓળખ અને પોસ્ટ મોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે.પ્રાથમિક દૃષ્ટિએ મૃતદેહની સ્થિતિ શંકાસ્પદ હોવાનું જણાતા પોલીસે આ કેસમાં તમામ પાસાઓ પર તપાસ કેન્દ્રીત કરી છે. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, જે પોલીસ માટે સૌથી મોટી મુશ્કેલી બની છે.
આસપાસના ગામોમાંથી કોઈ વ્યક્તિ ગુમ છે કે કેમ તે અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.
સીમ જેવા ર્નિજન વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી છે. ગ્રામજનો વહેલી તકે આ ભેદ ઉકેલાય અને જો આ હત્યા હોય તો આરોપીઓ ઝડપાય તેવી માગ કરી રહ્યા છે. પોલીસ સ્થળ પરથી મળેલા પુરાવા અને આસપાસના લોકોના નિવેદનોના આધારે ગુનાનો છેડો શોધવા પ્રયત્નશીલ છે.