Last Updated on by Sampurna Samachar
૫ લાખ અને કાર પડાવનાર ૪ આરોપીઓ ઝડપાયા
ટોળકીએ ખેડૂતને ધમકી આપી રૂમમાં બંધ કરી દીધો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગોંડલ બી ડિવિઝન પોલીસે ખેડૂતને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. વાત કરીએ તો એક મહિલાએ ખેડૂતને પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેલ કરી લાખો રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. જે મામલે પોલીસે મહિલા સહિત ટોળકીને ઝડપી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, સંગીતા નામની મહિલાએ એક ખેડૂતને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને ગોંડલ બોલાવ્યો હતો. ખેડૂત જેવા ત્યાં પહોંચ્યા કે તરત જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ઇમરાન અને તેની માતા હસીનાબેન ત્યાં ધસી આવ્યા હતા. આ ટોળકીએ ખેડૂતને છરી બતાવી જાનથી મારી નાખવાની તેમજ ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક રૂમમાં બંધ કરી દીધા હતા.
આરોપીઓ પાસેથી પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કર્યો
આરોપીઓએ ખેડૂત પાસેથી તુરંત જ ૪,૦૦૦ રોકડા પડાવી લીધા હતા અને વધુ ૫ લાખની ખંડણી માંગી હતી. ખેડૂત પાસે આટલી મોટી રકમ ન હોવાથી આરોપીઓએ તેમની ૪ લાખની કિંમતી ક્રેટા કાર બળજબરીથી પડાવી લીધી હતી.
ઉપરાંત આ ટોળકીએ દશરથ નામના અન્ય એક આરોપીને બોલાવ્યો હતો. આ ચારેય જણાએ ખેડૂતનું તેમની જ ક્રેટા કારમાં અપહરણ કર્યું હતું અને રસ્તામાં ધમકાવીને કેટલાક કોરા કાગળો પર બળજબરીથી સહીઓ કરાવી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ બી ડિવિઝન ટીમે એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને દબોચી લીધા હતા.
તેમજ પોલીસે આરોપીઓ પાસેથી ૪ લાખની ક્રેટા કાર, સીએનજી રીક્ષા, એક્ટીવા, ૫ મોબાઈલ ફોન, છરી, રોકડા રૂપિયા અને લખાણના કાગળો સહિત કુલ ૫,૫૧,૦૫૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે જો અન્ય કોઈ નાગરિક પણ આ ગેંગનો ભોગ બન્યા હોય, તો તેઓ નીડર થઈને ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર સંપર્ક કરી શકે છે.