Last Updated on by Sampurna Samachar
હોસ્પિટલ પહોંચે એ પહેલા દમ તોડ્યો
પોતાના ઘરની અંદર સામાન્ય કામ કરી રહ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંચમહાલ જિલ્લામાંથી સાપ કરડતાં વૃધ્ધના મોતના સમાચાર સામે આવ્યા છે. એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. વાત કરીએ તો શહેરા તાલુકાના ઝોઝ ગામના હોળી ફળિયામાં રહેતા ૬૦ વર્ષીય રંગીતભાઈ ફતાભાઈ પગીનું સાપ કરડવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું છે. આ અણધારી દુર્ઘટનાને કારણે સમગ્ર પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઝોઝ ગામના હોળી ફળિયામાં રહેતા રંગીતભાઈ ફતાભાઈ પગી પોતાના ઘરની અંદર સામાન્ય કામકાજ કરી રહ્યા હતા. તે જ સમયે અચાનક કોઈ ઝેરી સાપે તેમને ડંખ મારી દીધો હતો. સાપ કરડવાની આ ઘટના બનતાની સાથે જ પરિવારજનોમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી.
આઘાતજનક ઘટનાથી પરિવાર શોકમાં
પરિવારજનો દ્વારા સમયસૂચકતા વાપરીને ત્વરિત ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. કટોકટી સેવા આપતી ૧૦૮ ની ટીમ દ્વારા રંગીતભાઈને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે ગોધરા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તબીબોના તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન રંગીતભાઈ ફતાભાઈ પગીનું મોત નીપજ્યું હતું. અચાનક બનેલી આ આઘાતજનક ઘટનાથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.