Last Updated on by Sampurna Samachar
પ્રભાસ પાટણમાં જળબંબાકારની સ્થિતિ
ખુલ્લી ગટરમાં ખાબક્યો માસૂમ બાળકને લેવા આવેલો વાલી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. જગપ્રસિદ્ધ સોમનાથ મંદિરની બિલકુલ નજીક આવેલા પ્રભાસ પાટણ વિસ્તારમાં માત્ર સામાન્ય વરસાદમાં જ જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.

વાત કરીએ તો પ્રભાસ પાટણના વોર્ડ નંબર ૨ માં આવેલા ગુલાબ નગર, સાઈન કોલોની અને પ્યાદા કોલોની સહિતની અનેક સોસાયટીઓમાં ગટર અને વરસાદના ગંદા પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.
લોકોમાં પાલિકા સામે ભારે રોષ ફાટી નીકળ્યો
પ્રભાસ પાટણના મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેમ ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણીની સાથે ગટરના ગંદા પાણી મિક્સ થઈને રસ્તા પર ફરી વળ્યા હોવાથી કીચડ અને દુર્ગંધના કારણે લોકોનું જીવવું હરામ થઈ ગયું છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ગયા વર્ષે પણ ચોમાસામાં આવી જ ભયાનક પરિસ્થિતિ સર્જાઈ હતી, તેમ છતાં નગરપાલિકાના આળસુ તંત્રએ આખા વર્ષ દરમિયાન કોઈ નક્કર કામગીરી કરી નથી, જેનું પરિણામ આજે જનતા ભોગવી રહી છે.
તંત્રની ગુનાહિત બેદરકારીનો એક જીવંત અને હૃદયધબકારો ચૂકવી દે તેવો કિસ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. વોર્ડ નંબર ૨ માં આવેલી ‘રેમ્બો સ્કૂલ‘ માંથી માસૂમ બાળકોને લેવા માટે આવેલા એક વાલી પાણી ભરાયેલ હોવાના કારણે રસ્તા પરની ખુલ્લી ગટર જોઈ શક્યા નહોતા અને સીધા ગટરમાં ખાબક્યા હતા.
આ ભયાનક દ્રશ્યો સામે આવતા જ વાલીઓમાં પાલિકા સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. સદનસીબે આસપાસના લોકોએ તુરંત મદદ કરી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ ઘટનાએ સુરક્ષાના દાવા કરતી પાલિકાને ખુલ્લી પાડી દીધી છે.