Last Updated on by Sampurna Samachar
દર મહિને ૧૬ થી ૧૮ કરોડ પેન્શન મેળવે છે પેન્શનરો
પેન્શનરને રૂબરૂ કોર્પોરેશન ખાતે આવવાની જરૂર નહીં પડે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ ૮,૫૦૦ પેન્શનરો અને ફેમિલી પેન્શનરો દર મહિને ૧૬ થી ૧૮ કરોડ પેન્શન મેળવે છે. પેન્શનરોને નિયમિત પેન્શન મળતું રહે તે માટે દર વર્ષે પોતાની હયાતી અંગેની કોર્પોરેશનને ખાતરી કરાવવાની હોય છે. આના માટે દરેક પેન્શનરને રૂબરૂ કોર્પોરેશન ખાતે આવવાને બદલે ઘેર બેઠા ઓનલાઈન ‘જીવન પ્રમાણ‘ એપ્લિકેશન પર હયાતીની ખાતરી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ દ્વારા કરાવી શકશે. આ પ્રક્રિયા દર વર્ષે દરેક પેન્શનરે કરવાની રહેશે.
અત્યાર સુધીમાં ૧,૫૫૦ પેન્શનરે પોતાની હયાતીની ખાતરી આ સર્ટિફિકેટ દ્વારા કરાવી લીધી છે. ઓનલાઇન સિસ્ટમ ચાલુ થવાથી ખાસ કરીને બહારગામ રહેતા હોય તેવા તેમજ બીમાર અને પથારીવશ રહેલા પેન્શનરને ખૂબ રાહત રહેશે, પેન્શનરોને રીક્ષા ભાડા ખર્ચીને કોર્પોરેશન સુધી આવવું નહીં પડે. આ ઉપરાંત પેન્શનરોનો અને કોર્પોરેશનના સ્ટાફનો પણ આ કામગીરીનો સમય બચશે. ઓનલાઇન હયાતીની પ્રક્રિયા તારીખ ૩૦ એપ્રિલ સુધી ચાલુ રાખવામાં આવશે.