Last Updated on by Sampurna Samachar
અંદાજિત કિંમત રૂપિયા ૮૬ લાખ હોવાની માહિતી
ઇકો કારમાંથી જથ્થો અને શખ્સો ઝડપાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંચમહાલ જિલ્લામાં વન્યજીવોના અવશેષો અને પ્રતિબંધિત કિંમતી પદાર્થોની હેરાફેરી કરતા તસ્કરો ફરી એકવાર સક્રિય થયા હોવાની જાણ થતા પંચમહાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગેંગનો પર્દાફાશ કર્યો છે. ટીમે એક સફળ ઓપરેશન પાર પાડીને ગેરકાયદેસર રીતે વ્હેલ માછલીની ઉલ્ટી એટલે કે એમ્બરગ્રીસની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર SOG પોલીસને બાતમી મળી હતી કે ગોધરા-અમદાવાદ હાઇવે પરથી એક ઇકો કારમાં પ્રતિબંધિત એમ્બરગ્રીસનો જથ્થો પસાર થવાનો છે. જે બાતમીના આધારે પોલીસે હાઇવે પર ભામૈયા ગામ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી ઇકો કારને અટકાવી પોલીસે તેની સઘન તલાશી લીધી હતી. કારમાંથી વ્હેલ માછલીની ઉલ્ટી એટલે એમ્બરગ્રીસનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ
પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરવામાં આવેલા એમ્બરગ્રીસનું કુલ વજન ૮૬૦ ગ્રામ છે, જેની ભારતીય બજારમાં અંદાજિત કિંમત રૂપિયા ૮૬ લાખ જેટલી થવા જાય છે. આ મામલાની વૈજ્ઞાનિક પુષ્ટિ કરવા માટે પોલીસે FSL અને વન વિભાગની મદદ લીધી હતી. વન વિભાગના નિયમો અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ગેરકાયદેસર હેરાફેરીના કેસમાં પોલીસે ઇકો કારમાં સવાર બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ અને વન વિભાગ હવે એ દિશામાં સંયુક્ત તપાસ ચલાવી રહ્યા છે કે આરોપીઓ આ કિંમતી એમ્બરગ્રીસ ક્યાંથી લાવ્યા હતા અને પંચમહાલ જિલ્લામાં તે કોને ડિલિવરી આપવાના હતા. આ નેટવર્ક પાછળ કોઈ મોટી આંતરરાજ્ય ગેંગ સક્રિય છે કે કેમ તેની પણ પૂછપરછ ચાલી રહી છે.