Last Updated on by Sampurna Samachar
PM મોદીને સંબોધતા કોંગ્રેસ સાંસદનુ નિવેદન
આખો દેશ તમારી સાથે ઉભો છે, તમે એક્શન લો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી રહી છે. આ દરમિયાન ભારતીય સેના દળમાં સામેલ રાફેલ વિમાન પર ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે વિપક્ષ નેતા સરકાર પર સવાલ કરી રહ્યા છે કે, તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવશે. પાકિસ્તાન વિરુદ્ધ તેનો ઉપયોગ કરવામાં અત્યારે સારો મોકો છે.
આ દરમિયાન કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે આ મામલે મોદી સરકારને સંબોધતા કહ્યું કે, આખો દેશ તમારી સાથે ઉભો છે, તમે એક્શન લો. એવું દેખાવું જોઈએ કે ભારતે પ્રતિક્રિયા આપી અને એ સદીઓ સુધી યાદ રહેવું જોઈએ. જે રીતે ઈન્દિરાજીએ પાકિસ્તાનના બે ટુકડા કરીને જવાબ આપ્યો હતો. તે પ્રકારનો જવાબ આપો.
હથિયારો પરથી લીંબુ , મરચાં હટાવો અને એક્શન લો
તેમણે આગળ કહ્યું કે, પાકિસ્તાનને એવો જવાબ આપવો જોઈએ, કે જે સદીઓ સુધી યાદ રાખે અને ફરીવાર આપણી ઉપર આતંકવાદી હુમલો કરવાનો વિચાર પણ ન કરે. હાલમાં તમારી પાસે સારામાં સારો મોકો છે અને આનાથી વધારે સારો મોકો શું હોઈ શકે.
રાફેલ જેટ પર વાત કરતાં ઈમરાન મસૂદે કહ્યું કે, આટલા રુપિયા ખર્ચીને આપણે રાફેલ જેવા હથિયારો ખરીદ્યા છે, તો તેનો ઉપયોગ પણ થવો જોઈએ. હવે તેના પરથી લીબું, મરચાં હટાવો, શું તેના પર કાટ લાગે તે માટે ઉભા રાખવામાં આવ્યા છે.