Last Updated on by Sampurna Samachar
સાણંદના ડરણ ગામે ખેડૂતો મેદાને
પરિસ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો ખડકી દેવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાણંદ તાલુકાના ડરણ ગામે સિંચાઈ વિભાગની કામગીરી સામે ખેડૂતોએ હોબાળો કર્યો હતો. વાત કરીએ તો ખેડૂતોને કોઇ પણ નોટિસ વિના અને વળતર ચૂકવ્યા વિના જ ખેડૂતોના ખેતરોની વચ્ચેથી પાઈપલાઈન નાખવાની તંત્રની કામગીરી સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. ખેડૂતોના ભારે વિરોધને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ઘટનાસ્થળે પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવતા મામલો વધુ ગરમાયો હતો.

મળતી માહિતી મુજબ, ચાંગોદર, ચાચારવાડી વાસણા અને ગેલોફ વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા ડરણ ગામના ખેતરોની વચ્ચેથી લાઈન નાખવાનું આયોજન કરાયું હતું. જોકે, સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગ દ્વારા તેમને કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી ન હતી કે નથી કોઈ વળતરની વાત કરવામાં આવી. તંત્રએ ખેડૂતોની સંમતિ વિના જ સીધા ખેતરોમાં પાઈપલાઈન નાખવાની તૈયારીઓ શરૂ કરી દેતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને તેને તંત્રનું દમન ગણાવ્યું હતું.
ખેડૂતો એક થઈને વિરોધમાં જોડાતા વાતાવરણ તંગ બન્યું
ખેડૂતો દ્વારા પોતાની જમીન બચાવવા માટે છેલ્લા કલાકો સુધી સ્થળ પર જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. જનતાનો ભારે આક્રોશ અને પરિસ્થિતિ તંગ બનતી જોઈને તાત્કાલિક સાણંદ અને ચાંગોદર પોલીસ સ્ટેશનનો મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. આખું ગામ અને ખેડૂતો એક થઈને વિરોધમાં જોડાતા વાતાવરણ ગંભીર બની ગયું હતું.