Last Updated on by Sampurna Samachar
આ વખતે વાલીઓએ રસ ન દાખવ્યો
ચોથા રાઉન્ડ બાદ પણ ૫૦૦૦થી વધુ બેઠકો ખાલી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત સરકારની RTE હેઠળ ધો.૧ માં વિનામૂલ્યે પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયામાં ચોથા રાઉન્ડમાં પ્રવેશની ઓનલાઈન ફાળવણી કરી દેવાઈ છે. જેમાં નવા ૯૭૮ બાળકોને પ્રવેશ ફાળવાયો છે અને ચોથા રાઉન્ડની આ પ્રવેશ ફાળવણી બાદ પણ હજુ ૫૦૯૭ બેઠકો ખાલી રહી છે. વાલીઓએ ચોઈસ જ ન આપતા મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહી છે.

RTE માં આમ તો દર વર્ષે બેઠકો કરતા ત્રણથી ચાર ગણા વાલીઓની અરજી હોય છે પરંતુ અનેક સ્કૂલોની અનેક બેઠકોમાં વાલીઓ ચોઈસ જ આપતા નથી, જેને લીધે ચાર-ચાર રાઉન્ડ બાદ પણ બેઠકો ખાલી રહેતી હોય છે.
હવે ખાલી રહેનારી બેઠકો ખાલી જ રહેશે
આ વર્ષે ૯૭૦૦ થી વધુ ખાનગી સ્કૂલોમાં ૨૫ ટકા મુજબ ૮૩ હજારથી વધુ બેઠકો હતી અને જેની સામે દોઢ લાખથી વધુ વાલીઓની અરજીઓ માન્ય થઈ હતી. ત્રણ રાઉન્ડ બાદ ૬૦૭૫ ખાલી બેઠકો ઉપલબ્ધ હતી, જેના માટે ચોથો રાઉન્ડ કરાયો હતો. અને જેમાં ૭૩૦૯૩ વાલીએ પુન: પસંદગી આપી હતી. જ્યારે ૨૭,૨૩૯ વાલીએ અગાઉની ચોઈસ યથાવત રાખી હતી.
ચોથા રાઉન્ડમાં નવા ૯૭૮ બાળકોને પ્રવેશ ફાળવાયો છે. જ્યારે ૫૦૯૭ બેઠકો હજુ પણ ખાલી રહી છે. હવે પ્રવેશ મેળવનારા બાળકોના વાલીઓએ સ્કૂલે જઈને રૂબરુ પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. ચોથા રાઉન્ડ બાદ હવે ખાલી રહેનારી બેઠકો ખાલી જ રહેશે. નવો રાઉન્ડ કરવામાં નહીં આવશે.