Last Updated on by Sampurna Samachar
ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોના ભાગો રસ્તા પર વિખેરાયા
આસપાસથી લોકો મદદે દોડી આવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના બાકરોલ ચોકડી નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને આઈસર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું અને વાહનોના આગળના ભાગના કુરચા નીકળી ગયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, બાકરોલ ચોકડી નજીક પસાર થઈ રહેલી ટ્રક અને આઈસર વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. ટક્કરની તીવ્રતા એટલી વધારે હતી કે વાહનોના ભાગો રસ્તા પર વિખેરાઈ ગયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી વાહનોમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ થયેલા બે લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
અકસ્મતના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. રોડની વચ્ચે અકસ્માતગ્રસ્ત વાહનો પડ્યા હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ક્રેનની મદદથી બંને વાહનોને હટાવી ટ્રાફિક વ્યવસ્થા ફરીથી સામાન્ય કરવાની કામગીરી હાથ ધરી હતી.
પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માત પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. વાહનોની ગતિ, ચાલકોની બેદરકારી અથવા અન્ય કોઈ કારણોસર અકસ્માત સર્જાયો કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.