Last Updated on by Sampurna Samachar
ઓલિમ્પિક્સ તૈયારી માટે મેગા ડિમોલિશન
તંત્રની કાર્યવાહીથી વેપારીઓમાં ચિંતા વ્યાપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આગામી ઓલિમ્પિક અમદાવાદમાં યોજાવા જઇ રહી છે. ત્યારે મેગાસિટી અમદાવાદને નવુ રૂપ આપવામાં આવી રહ્યુ છે. જેમાં મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં મોટા પાયે વિકાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. ભવિષ્યમાં યોજાનારી સંભવિત ઓલિમ્પિક ગેમ્સ અને વર્ષ ૨૦૨૭ની કોમનવેલ્થ ગેમ્સની પૂર્વતૈયારીના ભાગરૂપે શહેરને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ હબ બનાવવા માટે તંત્ર દ્વારા માળખાકીય વિકાસની કામગીરી તેજ કરવામાં આવી છે.

આ અંતર્ગત સાબરમતી જનપથથી મોટેરા ડી-માર્ટ સુધીના વિસ્તારમાં ૬૧ મીટર પહોળો રોડ બનાવવાની યોજના હેઠળ રી-ટીપી અંતર્ગત મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી છે.
૫૨ થી વધુ કોમર્શિયલ એકમોને નોટિસ અપાઇ
રોડ લાઇનમાં આવતા અંદાજે ૧૦૦ જેટલા કોમર્શિયલ એકમો અને બાંધકામોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્રના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી માત્ર વ્યાપારી મિલકતો સામે કરવામાં આવી રહી છે અને રહેણાંક મકાનોને અસર કરવામાં આવી રહી નથી. અત્યાર સુધી ૫૨ થી વધુ કોમર્શિયલ એકમોને નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ કાર્યવાહીથી વર્ષોથી ધંધો કરતા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવું છે કે અચાનક દુકાનો હટાવવાથી રોજગાર પર અસર પડશે. તેઓ તંત્ર પાસે યોગ્ય વળતર અથવા વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરી રહ્યા છે.
બીજી તરફ એસ્ટેટ વિભાગનું કહેવું છે કે ટાઉન પ્લાનિંગ યોજના મુજબ રોડ વિસ્તરણની કામગીરી કરવામાં આવી રહી છે અને નિયમો અનુસાર જ કાર્યવાહી હાથ ધરાઈ છે. તંત્ર આગામી દિવસોમાં આ સમગ્ર વિસ્તારને ક્લિયર કરીને રોડ નિર્માણ, બ્યુટિફિકેશન અને આધુનિક સુવિધાઓ વિકસાવવાની યોજના ધરાવે છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિસ્તારને આંતરરાષ્ટ્રીય રમતગમત કેન્દ્ર તરીકે વિકસાવવા માટે આ કામગીરીને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.