Last Updated on by Sampurna Samachar
અમદાવાદ DEO એ કર્યો કડક આદેશ
રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો કરવા સૂચના
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં સગીર વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લેતા DEO એ નવો કડક આદેશ જાહેર કર્યો છે. જેમાં આ નવા નિયમ અનુસાર, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાયસન્સ અને હેલ્મેટ વિના વાહન ચલાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

તેમજ આવા વિદ્યાર્થીઓને શાળા પરિસરમાં પ્રવેશ નહીં આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ તમામ શાળાઓને નિયમનો ભંગ કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને તાત્કાલિક જાણ કરવા અને આગામી ૭ દિવસમાં પ્રાર્થના સભા તથા અન્ય માધ્યમો દ્વારા રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો યોજવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
ટ્રાફિક પોલીસ તથા RTO શાળાઓમાં કરશે સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદ શહેરની શાળાઓમાં સગીર વયના બાળકો લાયસન્સ વગર વાહનો ચલાવતા હોવાથી જે ગંભીર ઘટનાઓ બની રહી છે, તેને ધ્યાનમાં રાખીને મેં તમામ શાળાઓને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવા સૂચના આપી છે.
આગામી એક સપ્તાહમાં શાળાઓએ રોડ સેફ્ટીના નિષ્ણાતો અથવા RTO ના અધિકારીઓને બોલાવીને વિદ્યાર્થીઓને કાયદા, દંડનીય જોગવાઈઓ અને ટ્રાફિકના નિયમો વિશે માહિતગાર કરવાના રહેશે. આ સાથે શાળાઓએ વાલીઓને પણ સ્પષ્ટપણે જણાવી દેવાનું રહેશે કે કોઈપણ વિદ્યાર્થી લાયસન્સ વગર ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર લઈને શાળાએ આવી શકશે નહીં, અને જો આવશે, તો તેને શાળામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે પાછળથી પસ્તાવો કરવાનો વારો આવે છે, તેથી વાલીઓએ પણ આ બાબતે અમને પૂરો સહકાર આપવો જોઈએ.
તમામ વાલીઓને લેખિત, વોટ્સએપ, એસએમએસ અથવા અન્ય યોગ્ય માધ્યમથી સ્પષ્ટ જાણ કરવી કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના અથવા માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગરના વિદ્યાર્થીઓને કોઈપણ દ્વિચક્રી કે ચતુર્થચક્રી વાહન ચલાવવા માટે મંજૂરી આપવી નહીં.
જો કોઈ વિદ્યાર્થી લાઈસન્સ વગર દ્વિચક્રી કે ચતુર્થચક્રી વાહન લઈને શાળામાં આવે અથવા દ્વિચક્રી વાહન પર હેલમેટ વગર આવે, તો આવા વિદ્યાર્થીને શાળા પરિસરમાં વાહન સાથે પ્રવેશ આપવા નહીં. વાલીને તાત્કાલિક બોલાવી જરૂરી સમજણ આપી, ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની લેખિત ખાતરી મેળવવી.
પોલીસ દ્વારા રસ્તાઓ પર નિયંત્રણ રાખવામાં આવે છે, છતાં શાળા સમય બાદ કોચિંગ ક્લાસ જવા માટે સમય બચાવવાના બહાને વાલીઓ બાળકોને વાહન આપતા હોય છે, જે કાયદાની વિરુદ્ધ છે અને ખૂબ જ જોખમી પણ છે. આ અંગે અમે શાળાઓને સ્પષ્ટ સૂચનાઓ આપી દીધી છે અને હવે ટ્રાફિક પોલીસ તથા RTO સાથે મળીને અમારી ટીમ શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે.
જો શાળા પરિસરમાં આવાં વાહનો જોવા મળશે, તો તે કોના છે તેની ચકાસણી કરવામાં આવશે. આ બાબતે જો કોઈપણ શાળાની નિષ્ક્રિયતા જણાશે, તો અમે તે શાળાને કડક તાકીદ કરીશું અને તેમની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરીશું.‘કાનૂની જાેગવાઈઓ (મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮)
કલમ ૩ – માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવું ગેરકાયદેસર છે.
કલમ ૪ – નિર્ધારિત વય મર્યાદા પહેલાં વાહન ચલાવી શકાતું નથી.
કલમ ૫ – વાહનના માલિક/વાલીની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી છે.
કલમ ૧૮૧ – લાઇસન્સ વગર વાહન ચલાવવા બદલ દંડની જોગવાઈ.
કલમ ૧૯૯છ – જો સગીર દ્વારા વાહન ચલાવવામાં આવે તો વાહનના માલિક અથવા વાલી સામે દંડાત્મક કાર્યવાહી, ગુનો નોંધવાની કાર્યવાહી તેમજ કાયદા મુજબ અન્ય સજાની જોગવાઈ કરવામાં આવી છે.