Last Updated on by Sampurna Samachar
આસનસોલમાં કાર્યકર્તાની હત્યા મુદ્દે રાહુલ ગાંધી લાલચોળ
રાહુલ ગાંધીએ આસનસોલમાં કોંગ્રેસ કાર્યકર દેબદીપ ચેટર્જીની હત્યા મામલે TMC સરકાર પર પ્રહારો કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળના આસનસોલમાં કોંગ્રેસ કાર્યકર દેબદીપ ચેટર્જીની હત્યા મામલે તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, પશ્ચિમ બંગાળમાં આજે લોકશાહી જેવું કંઈ નથી, ત્યાં માત્ર TMC નું ગુંડારાજ ચાલી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, ચૂંટણી બાદ વિરોધી અવાજોને ડરાવવા, મારવા અને મિટાવવા એ જ હવે TMC નું ચરિત્ર બની ગયું છે.
અસામાજિક તત્વોએ ઘાતકી હુમલો કર્યો હતો
તેમણે વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસે હંમેશા અહિંસા અને બંધારણનો રસ્તો પસંદ કર્યો છે, પરંતુ આવી હિંસા સામે તેઓ ક્યારેય ઝૂકશે નહીં.
રાહુલ ગાંધીએ મૃતક કાર્યકર દેબદીપના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ત્રણ મુખ્ય માંગણીઓ કરી છે. દોષિતોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કઠોર સજા આપવામાં આવે. દેબદીપના પરિવારને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવે. પીડિત પરિવારને યોગ્ય વળતરની ખાતરી કરવામાં આવે.
પશ્ચિમ બંગાળ કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આસનસોલ ઉત્તરના કોંગ્રેસ ઉમેદવાર પ્રસેનજીત પુઈતાંડીના નજીકના સાથી દેબદીપ ચેટર્જી પર TMC સાથે જોડાયેલા અસામાજિક તત્વોએ ઘાતકી હુમલો કર્યો હતો.
ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ ઘટના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના સંપૂર્ણ પતનનો પુરાવો છે. ચૂંટણી પરિણામો પહેલા જ શરૂ થયેલી આ રાજકીય હિંસાએ પશ્ચિમ બંગાળમાં વિપક્ષી કાર્યકરોની સુરક્ષા પર મોટા સવાલો ઊભા કર્યા છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલે પીડિત પરિવારને ન્યાય અપાવીને જ રહેશે.