Last Updated on by Sampurna Samachar
આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા હોવાનો અંદાજ
એજન્સીએ કન્ટેનરની કડક તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતનો દરિયાકાંઠો ફરી એકવાર નશાની હેરાફેરીના કેન્દ્રમાં આવ્યો છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ ચોક્કસ બાતમીના આધારે કચ્છના મુન્દ્રા બંદરેથી ૧૪૦ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હોવાના સમાચાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.

NCB ને ગુપ્ત માહિતી મળી હતી કે મુન્દ્રા બંદરે આવેલા એક કન્ટેનરમાં શંકાસ્પદ નશાકારક પદાર્થ છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે એજન્સીએ કન્ટેનરની કડક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરના ગુપ્ત ખાનાઓમાંથી ૧૪૦ કિલો જેટલું ડ્રગ્સ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ
હાલમાં NCB દ્વારા આ ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સ કયા દેશમાંથી આવ્યું છે, કોણે મોકલ્યું છે અને ભારતમાં આ જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આયાતકારની વિગતો મેળવવામાં આવી રહી છે.