Last Updated on by Sampurna Samachar
નર્મદાના વરખડ ગામમાં મુંબઈ પોલીસના દરોડા
સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ થી શરૂ થયેલા નશાના કારોબારના તાર છેક નર્મદા જિલ્લા સુધી પહોંચ્યા છે. વાત કરીએ તો મુંબઈમાં ઝડપાયેલા નશાકારક પદાર્થના જથ્થાની પૂછપરછના આધારે મુંબઈ પોલીસની એક ટીમ તાત્કાલિક નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં ત્રાટકી હતી અને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઘટનાને પગલે ભરૂચથી ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવી આક્રોશ વ્યક્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, મુંબઈની એક હોટલમાંથી ત્યાંની પોલીસે બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓની તલાશી લેતાં તેમની પાસેથી મોટી માત્રામાં નશાકારક પદાર્થ મળી આવ્યો હતો. મુંબઈ પોલીસે જ્યારે આ આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી, ત્યારે નશાકારક પદાર્થના તાર નર્મદાના નાંદોદના વરખડ ગામ સાથે જોડાયેલા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ કડી મળતાં જ મુંબઈ પોલીસની ટીમ સમય ગુમાવ્યા વિના સીધી વરખડ ગામ પહોંચી હતી અને સ્થાનિક સ્તરે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
સાંસદના આ આકરા વલણથી સ્થાનિક પોલીસમાં ફફડાટ
આ નશાકારક પદાર્થ રેકેટનો પર્દાફાશ મુંબઈ પોલીસે નર્મદામાં આવીને કરવો પડ્યો, તેને લઈને સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક પોલીસ તંત્રને બરાબરનું આડે હાથ લીધું છે. વરખડ ગામમાં ચાલી રહેલી તપાસ અંગે સાંસદે નર્મદા પોલીસની નિષ્ફળતા પર આકરા પ્રહારો કર્યા હતા.

તેમણે જણાવ્યું કે, ‘મેં હજુ થોડા સમય પહેલા જ આ બાબતે નર્મદા જિલ્લા SP ને પત્ર લખીને લેખિત રજૂઆત કરી હતી. પરંતુ મારી રજૂઆત છતાં પોલીસની ઊંઘ ઉડી નહીં. મારા પત્ર લખ્યાના એક જ અઠવાડિયામાં ફરીથી દારૂના ધંધા ધમધમવા લાગ્યા અને હવે વરખડ ગામેથી આટલી મોટી માત્રામાં નશાકારક પદાર્થ મળી આવ્યો છે.‘
આક્રોશ સાથે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ‘આટલું મોટું રેકેટ સ્થાનિક નર્મદા પોલીસને કેમ ના દેખાયું? આ સીધી રીતે નર્મદા પોલીસની આખી નિષ્ફળતા અને બેદરકારી દર્શાવે છે. આવી બેદરકાર આખી નર્મદા પોલીસને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવી જોઈએ.‘ સાંસદના આ આકરા તેવર અને ગુજરાતની સરહદમાં ઘૂસીને મુંબઈ પોલીસે પાડેલા દરોડાને કારણે સ્થાનિક પોલીસ વિભાગમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસની હજુ પણ વરખડ ગામ ખાતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. પોલીસને દરોડા દરમિયાન આ ગામમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ નશાકારક પદાર્થ મળી આવ્યો છે. આ પદાર્થ કયો કેમિકલ કે ડ્રગ્સ છે તેની સત્તાવાર પુષ્ટિ કરવા માટે જથ્થાને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.