Last Updated on by Sampurna Samachar
નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો
ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખેડા જિલ્લાના ઠાસરામાં ૧૫ વર્ષ અને ૨ માસની સગીર વયની બાળકીનું અપહરણ કરવાના ગુનામાં નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપીને ૪ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. ૨,૫૦૦નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, ભોગ બનનાર બાળકીને આર્થિક વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

બનાવની વિગત એવી છે કે, ઠાસરામાં ૨૨ વર્ષીય આરોપી અક્ષયકુમાર ઉર્ફે અક્કીએ આ ગુનો આચર્યો હતો. તારીખ ૨૦/૧૦/૨૦૨૩ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન, આરોપીએ ઠાસરાના હુસેની ચોકથી ફરિયાદીની ૧૫ વર્ષ અને ૨ માસની દીકરીને નિશાન બનાવી હતી. બાળકી સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં, આરોપીએ તેને લલચાવી, ફોસલાવીને પોતાના એક્ટિવા ઉપર બેસાડીને અપહરણ કર્યુ હતું.
ન્યાયાધીશે આરોપીને કસૂરવાર ઠેરવીને સજા ફટકારી
જે અંગે ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ઈ.પી.કો. કલમ-૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ-૨૦૧૨ની કલમ-૧૮ મુજબ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ આ કેસ નડિયાદની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. કેસ દરમિયાન અંદાજે ૬ જેટલા દસ્તાવેજી પુરાવાઓ અને ૧૪ સાહેદોની જુબાનીઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પુરાવાઓ અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખીને ન્યાયાધીશે આરોપીને કસૂરવાર ઠેરવીને સજા ફટકારી હતી.
ઈ.પી.કો. કલમ-૩૬૩ મુજબના ગુનામાં આરોપીને ૪ વર્ષની સજા તથા રૂ. ૨,૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ ૨ માસની કેદની સજા ભોગવવી પડશે. કોર્ટે ભોગ બનનાર સગીરાને સરકારના ઠરાવ મુજબ રૂપિયા ૫૦,૦૦૦ વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.