Last Updated on by Sampurna Samachar
પરિણીત આરોપીએ યુવતી સાથે અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું
વેસુ પોલીસે નરાધમને ઝડપી કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના વેસુ વિસ્તારમાંથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારવાનો લવજિહાદનો એક સનસનાટીપૂર્ણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હિન્દુ યુવક તરીકેની ખોટી ઓળખ આપી સુરતની એક માસૂમ યુવતી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર મૂળ મુસ્લિમ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં રાજકોટથી દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીની ઓળખ સોમિલ સલમીન મકવાણા તરીકે થઈ છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આરોપી સોમિલ પરિણીત હોવા છતાં તેણે સોશિયલ મીડિયા પર પોતાની અસલી ધાર્મિક ઓળખ છુપાવી હતી. પોતાનું હિન્દુ નામ જણાવી તેણે સુરતની યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આ નરાધમ પીડિત યુવતીને સુરત અને યાત્રાધામ દ્વારકાની અલગ-અલગ હોટલોમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
વેસુ પોલીસે આરોપીને રાજકોટથી દબોચી લીધો હતો
એટલું જ નહીં પણ યુવકે લગ્નના બહાના હેઠળ અને અલગ-અલગ મુશ્કેલીઓ દર્શાવીને આરોપીએ પીડિતા પાસેથી ટુકડે-ટુકડે આશરે ૩.૫૦ લાખની રકમ પણ પડાવી લીધી હતી. જ્યારે યુવતીને આરોપીની અસલી ઓળખ અને તેના પરિણીત હોવાની ખબર પડી, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પીડિતાએ આ મામલે તાત્કાલિક સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં ન્યાયની માંગ કરી હતી. વેસુ પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને તુરંત ગુનો દાખલ કર્યો હતો અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરીને તેને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપી સોમિલ મકવાણા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગો કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.