Last Updated on by Sampurna Samachar
સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણ
નિયંત્રક અધિકારીની લેખિત મંજૂરી વિના વડોદરા છોડી શકશે નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતની સરકારી મેડિકલ કોલેજના રેંગિંગના પ્રકરણમાં ડૉ. સુમૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનુ સામે આવ્યુ છે. વાત કરીએ તો માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યા રેગિંગની ગંભીર ઘટનાને રોકવામાં તેમજ પોતાની શિસ્તબદ્ધ ક્ષમતા અને ફરજ બજાવવામાં ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-૧ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને તત્કાલ અસરથી ૯૦ દિવસ માટે સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાતની કોઈપણ શૈક્ષણિક કે તબીબી સંસ્થામાં રેગિંગ અથવા માનસિક ઉત્પીડન સાંખી લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમત કરનાર કે પોતાની ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવનાર વ્યક્તિ ગમે તેટલાં ઉચ્ચ હોદ્દા પર હશે, તેમની સામે કડકમાં કડક કાયદાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં સહેજ પણ બાંધછોડ કરશે નહીં.
આરોગ્ય મંત્રીએ કોલેજોને કર્યા કડક આદેશ
માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લાને ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે આ સમયગાળા દરમિયાન તેઓ વડોદરાના મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજમાં રહેશે. જેમાં સક્ષમ નિયંત્રક અધિકારીની લેખિત મંજૂરી વિના તેઓ વડોદરા સ્થિત મુખ્ય મથક છોડી શકશે નહીં.
ફરજમોકૂફી હેઠળ હોય ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારની ખાનગી નોકરી કે વ્યાપાર-ધંધો કરી શકશે નહીં. જો આ શરતોનો અનાદર કે ભંગ કરવામાં આવશે તો તેમને મળવાપાત્ર નિર્વાહ ભથ્થું અટકાવી દેવાશે અને તેમની સામે વધારાની કડક શિસ્તવિષયક કાર્યવાહી હાથ ધરાશે.
સમગ્ર ઘટના બાદ આરોગ્ય મંત્રીએ રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોને ‘એન્ટિ-રેગિંગ સમિતિ‘ અને ‘એન્ટિ-રેગિંગ સ્ક્વોડ‘ને તુરંત વધુ સક્રિય અને સુદ્રઢ કરવાના કડક આદેશ આપ્યા છે. જેમાં તમામ મેડિકલ કોલેજોએ પોતાના પરિસરમાં તબીબી વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે સુરક્ષિત, શિસ્તબદ્ધ અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનું રહેશે.