Last Updated on by Sampurna Samachar
ગમખ્વાર અકસ્માતમાં મહિલાનુ કરૂણ મોત
હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચના અંકલેશ્વર તાલુકામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પાનોલી GIDC નજીક નેશનલ હાઈવે-૪૮ પર એક બેકાબૂ ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત નિપજ્યાના સમાચાર છે. અકસ્માત એટલો ભીષણ હતો કે બોલેરો ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનાને પગલે મૃતક મહિલાના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, નેશનલ હાઈવે-૪૮ પરથી પસાર થઈ રહેલી બોલેરો ગાડી અને ટ્રક વચ્ચે કોઈ કારણોસર જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે બોલેરોના ફુરચેફુરચા થઈ ગયા હતા, જ્યારે બોલેરોમાં સવાર એક મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો.
પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
હાઈવે પર સર્જાયેલા આ ભયાનક અકસ્માતના પગલે આસપાસના લોકો અને વાહનચાલકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માતને કારણે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ રાહતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સૌથી પહેલા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી અને ત્યારબાદ ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત કયા સંજોગોમાં અને કોની ભૂલના કારણે સર્જાયો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.