Last Updated on by Sampurna Samachar
ત્રંબા ગામે વાડીમાં દરોડો પાડી કબ્જે કર્યા ગાંજાના ૩૭ છોડ
આરોપી છેલ્લા ત્રણ મહિનાથી છોડનુ ઉછેર કરી રહ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ શહેરમાં ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોના દૂષણને ડામી દેવા માટે પોલીસ કમિશનરની કડક સૂચના અન્વયે આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ અને હ્યુમન સોર્સ ડેવલપમેન્ટ પર કામ કરી રહી હતી. આ દરમિયાન આજીડેમ પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, ત્રંબા ગામની સીમમાં આવેલી એક વાડીમાં આર્થિક ફાયદા માટે પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. બાતમીના આધારે પોલીસે વાડી પર ત્રાટકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

જ્યારે પોલીસની ટીમ ત્રંબા ગામના પિયુષ રૈયાણી નામના શખ્સના ખેતરમાં તપાસ કરવા પહોંચી, ત્યારે સામાન્ય નજરે ત્યાં માત્ર આંબા અને ચીકુના મોટા ઝાડ દેખાતા હતા. પરંતુ પોલીસે જ્યારે ઝાડીઓની અંદર ઊંડા ઉતરીને ઝીણવટભરી તપાસ કરી તો અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
આરોપી પિયુષે આજીડેમ પોલીસ અને ડ્રોન કેમેરાની નજરથી બચવા માટે આંબા અને ચીકુના મોટા ઘટાદાર ઝાડની બિલકુલ વચ્ચેની જગ્યામાં ગાંજાના છોડ રોપી દીધા હતા. પોલીસે ખેતરમાંથી એક પછી એક કરીને કુલ ૩૭ નંગ લીલાછમ ગાંજાના છોડ શોધી કાઢીને મૂળ સમેત ઉખેડી કબ્જે લીધા હતા.
આ સફળ ઓપરેશન અંગે માહિતી આપતા રાજકોટના એસીપી ભાવેશ જાધવના જણાવ્યા મુજબ, પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા ત્રણ મહિનાથી પોતાની વાડીમાં આ ગાંજાના છોડનું ઉછેર કરતો હતો. છોડ મોટા થયા બાદ તેમાંથી ગાંજો તૈયાર કરીને રાજકોટના સ્થાનિક પેડલરો અને યુવાધનને ઉંચી કિંમતે વેચવાનો તેનો પ્લાન હતો.
એસીપીએ વધુમાં ઉમેર્યું કે, રાજકોટના ગ્રામ્ય અને સરહદી વિસ્તારોમાં સહેલાઈથી નશાની ખેતી ન થાય તે માટે પોલીસ તંત્ર સતત પેટ્રોલિંગ અને વોચ ગોઠવીને નજર રાખી રહ્યું છે. હાલ આજીડેમ પોલીસે આરોપી પિયુષ રૈયાણી સામે ગુનો નોંધી અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે દિશામાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.