Last Updated on by Sampurna Samachar
SOG પશ્ચિમ રેલવે પોલીસે ઓપરેશન પાર પાડ્યું
દિવ્યાંગ કોચના શૌચાલયમાંથી મળ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા રેલ્વે સ્ટેશન પર ટ્રેનના શૌચાલયમાંથી ગાંજો મળી આવ્યો હોવાના સમાચાર છે. વાત કરીએ તો વડોદરા પહોંચેલી ટ્રેન નં.૨૨૯૭૪ પુરી-ગાંધીધામ એકસપ્રેસના દિવ્યાંગ કોચમાં સંડાસ-બાથરૂમના છતમાં છુપાવેલો ૧૧૩.૯૦૦ કિ.ગ્રા. કિં.રૂા.૫૬,૯૫,૦૦૦નો ગાંજો બિનવારસી હાલતમાં એસ.ઓ.જી. પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલવે દ્વારા “MISSION SAFE STATION” અંતર્ગત અભિયાન ચલાવવામાં આવેલ તેમજ આંતર રાજ્યોમાંથી રેલ્વે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી સદંતર નેસ્ત-નાબુદ કરવા અંગેની ખાસ સુચનાઓ આપવામાં આવેલ હતી.
૫૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો
જે આધારે એસ.ઓ.જી. પ.રે.એ ટ્રેન નં.૨૨૯૭૪ પુરી-ગાંધીધામ એકસપ્રેસમાં એ.ટી.એસ. ચાર્ટરને લગતી કામગીરી અંગે ચેકીંગ કરતા વડોદરા આવી રહ્યા હતા. દરમ્યાન ટ્રેન કલાક ૨૩:૫૫ વાગે વડોદરા રેલ્વે સ્ટેશન પ્લે.નં.૬ ઉપર આવી ઉભી રહી હતી ત્યારે એસ.ઓ.જી.પશ્ચિમ રેલવેનો સ્ટાફ કોચના દિવ્યાંગ કોચમાં ચેકીંગ અર્થે ચઢેલો હતો.
તે દરમ્યાન દિવ્યાંગ કોચમાં ચેકીંગ કરતા સંડાસ-બાથરૂમની છતની પ્લાય તુટેલી હાલતમાં હોય તે તપાસતા છતની અંદર મોટી સાઇઝના પાંચ વજનદાર થેલાઓ તથા એક મીણીયો વજનદાર કોથળો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે તપાસ કરતા કુલ ૧૧૩.૯૦૦ કિ.ગ્રા. ગાંજો કુલ કિંમત રૂા.૫૬,૯૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી વડોદરા રેલ્વે પો. સ્ટે. ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.