તાપીમાં મેઘકહેર વચ્ચે અનેક ગામો સંપર્કવિહોણા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ

વાલોડ અને ઉકાઈમાં સૌથી વધુ વરસાદ

(સંપૂર્ણ સમાચાર સેવા)

તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. અનરાધાર વરસાદને પગલે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે, જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદના કારણે જિલ્લાના કુલ ૪૯ નાના-મોટા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતાં અનેક ગામોનો તાલુકા મથક સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે.

જિલ્લામાં ખાસ કરીને વાલોડ અને ઉકાઈ વિસ્તારમાં મોસમનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક વધી છે અને અનેક કોઝવે ઉપરથી પાણી વહેવા લાગ્યું છે. પાણીનો પ્રવાહ તેજ હોવાથી આવા માર્ગો પરથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે અનેક માર્ગો પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દીધો છે.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

જિલ્લા વહીવટીતંત્રના આંકડા મુજબ ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૧૬ માર્ગો બંધ કરવામાં આવ્યા છે. વ્યારા તાલુકામાં ૧૩, વાલોડ તાલુકામાં ૧૩ અને સોનગઢ તાલુકામાં ૭ માર્ગો વરસાદના કારણે અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. કુલ મળીને જિલ્લામાં ૪૯ રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાતા સ્થાનિક રહેવાસીઓ તેમજ મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતાં તાપીના અંતરિયાળ વિસ્તારોના અનેક ગામોનો તાલુકા મથક સાથેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. ગ્રામજનોને રોજિંદા કામકાજ, આરોગ્ય સેવાઓ અને આવશ્યક સુવિધાઓ સુધી પહોંચવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ સ્થાનિક લોકો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડ પર છે. અધિકારીઓ દ્વારા સતત વરસાદની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ બચાવ ટીમોને તૈયાર રાખવામાં આવી છે. તંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા, લો લેવલ કોઝવે પરથી પસાર ન થવા તેમજ વહેતા પાણીમાં વાહન ચલાવવાનો પ્રયાસ ન કરવા ખાસ અપીલ કરી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરતાં લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.