Last Updated on by Sampurna Samachar
૧૮ અત્યાધુનિક હથિયારો સાથે ૯ શખ્સોની ધરપકડ
એજન્સીઓએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળની શંકાસ્પદ સીમા પારના ગેંગની તપાસ કર્યા બાદ ૯ લોકોની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં ભયાનક તબાહી મચાવવાના ષડયંત્રને નિષ્ફળ બનાવી વિદેશમાં સંપર્ક ધરાવતા ૯ લોકોની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, તેઓ પાસેથી ૧૮ અત્યાધુનિક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ગેંગ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાં સંપર્ક ધરાવતી હોવાનો અને ત્યાંથી હથિયારો ભારતમાં ઘૂસાડતા હોવાનો ખુલાસો થયો છે.

એજન્સીઓએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળની શંકાસ્પદ સીમા પારના ગેંગની તપાસ કર્યા બાદ ૯ લોકોની ધરપકડ કરી છે. તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, ઝડપાયેલા આ લોકો ત્રણેય દેશોની અંદર સંપર્ક ધરાવતા હતા અને તેઓ મુંગેરના રસ્તે અનેક રાજ્યોમાં હથિયારો પહોંચાડવાની ફિરાકમાં હતાં. આ મામલામાં NIA ના વોન્ટેડ આરોપી શાહબાજ અંસારીનો હાથ હોવાની પણ એજન્સી તપાસ કરી રહી છે.
બે ગેંગસ્ટરની નોઈડામાંથી ધરપકડ
તાજેતરમાં જ ISA ઈશારે કામ કરનારા બે ગેંગસ્ટરની નોઈડામાંથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને યુવાઓને ભડકાવવાનું, સ્લીપર સેલ બનાવવાનું અને મહત્ત્વના સ્થળોની તપાસ કરવામાં સામેલ હતા. તેઓનો ઉદ્દેશ્ય ભારતને નુકસાન પહોંચાડવાનો અને ટાર્ગેટ કિલિંગને અંજામ આપવાનો હતો.
હથિયારો ભારતમાં ઘૂસાડવાના મામલામાં ઉત્તર પ્રદેશના રહેવાસી અને NIA ના વોન્ટેડ આરોપી શાહબાજ અંસારીનો હાથ હોવાની આશંકા બાદ એજન્સીઓએ તેની તપાસ શરૂ કરી દીધી છે. NIA ની તપાસમાં પંજાબના જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં ઉપયોગ થયેલા હથિયારો શાહબાજે જ સપ્લાય કર્યા હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ શાહબાજ વોન્ટેડ છે.