Last Updated on by Sampurna Samachar
વર્તમાન સિઝનમાં શાનદાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ
સ્ટીફન ફ્લેમિંગના એ નિવેદન પર સવાલ ઉઠાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ MS ધોની અંગે મોટુ નિવેદન આપ્યુ છે. જેમાં તેમણે કહ્યુ કે ધોનીએ IPL ૨૦૨૩ પછી નિવૃત્તિ લઈ લેવી જોઈતી હતી. MS ધોની ધીમે-ધીમે હવે CSK ના ચાહકોમાં પોતાનું સન્માન ગુમાવી રહ્યો છે. MS ધોની વર્તમાન સિઝનમાં શાનદાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે.
IPL ૨૦૨૫માં અત્યાર સુધીમાં ચાર મેચમાં MS ધોનીએ ૭૬ રન બનાવ્યા છે, પરંતુ ચાહકો અને એક્સપર્ટ તેના બેટિંગ ઓર્ડર પર સવાલ ઉઠાવી રહ્યા છે. દિલ્હી સામે ધોની સાતમા નંબરે બેટિંગ કરવા આવ્યો અને તેણે ૨૬ બોલમાં અણનમ ૩૦ રન બનાવ્યા. ત્યારે CSK ને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો.
ધોનીએ IPL ૨૦૨૩ બાદ નિવૃત્તિ લેવાની હતી
મનોજ તિવારીએ ક્રિકબઝ સાથે વાત કરતા કહ્યું કે, ચાહકો હવે CSK ના લેજેન્ડનું સન્માન નથી કરતા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, માહીનો જાદુ હવે કામ કરી નથી રહ્યો. મને લાગે છે કે ધોનીએ IPL ૨૦૨૩ પછી નિવૃત્તિ લઈ લેવી જોઈતી હતી, ત્યારે તેણે IPL ટ્રોફી પણ જીતી હતી.
મારું માનવું છે કે તેણે ક્રિકેટ દ્વારા જે નામ, પૈસા અને સન્માન મેળવ્યું છે. તે છેલ્લા બે સીઝનમાં રમવાને કારણે ખતમ થઈ રહ્યું છે. ક્રિકેટ ચાહકો તેને આ રીતે રમતા ન જોઈ શકશે અને તેનો સ્પાર્ક ચમક ઓછો થઈ રહ્યો છે. માહી ભાઈએ વર્ષોથી ચાહકોમાં ખાસ કરીને CSK ચાહકોના હૃદયમાં જે વિશ્વાસ કમાયો છે, તે હવે ઓછો થઈ રહ્યો છે. છેલ્લી મેચ પછી ધોની ભાઈ વિરુદ્ધ રસ્તા પર ઉતરીને ક્રિકેટ ચાહકોએ જે કહ્યું તે દર્શાવે છે કે તેનો જાદુ હવે કામ નથી આવી રહ્યો.
મનોજ તિવારીએ સ્ટીફન ફ્લેમિંગના એ નિવેદન પર સવાલ ઉઠાવ્યા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ધોની ૧૦ ઓવરથી વધુ બેટિંગ નથી કરી શકતો. પૂર્વ ક્રિકેટરનું માનવું છે કે, ર્નિણયો ટીમના સવર્શ્રેષ્ઠ હિતમાં નથી લેવામાં. તિવારીએ કહ્યું કે, કોઈએ આગળ આવીને મેનેજમેન્ટને પ્રયોગ બંધ કરવાનું કહેવું પડશે. CSK હજુ પણ પ્રયાસ કરી રહ્યું છે.
સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે, ધોની ૧૦ ઓવરથી વધુ દોડી શકતો નથી. પણ મને એ ન સમજાયું કે, જો તમે ૨૦ ઓવર ફિલ્ડિંગ કરી શકો છો, વિકેટકીપિંગ કરી શકો છો, જ્યાં તમારે સ્ક્વોટ કરવું પડે છે, ડાઇવ કરવું પડે છે અને રન આઉટ કરવું પડે છે, ત્યારે તમારા ઘૂંટણમાં તકલીફ નથી. પણ જ્યારે ટીમને જીત માટે તમારી જરૂર હોય અને તમને બેટિંગ માટે મોકલવામાં આવે અને અપેક્ષાઓનો બોજ હોય, તો તમે ૧૦ ઓવરની વાત કરો છો? આ તમામ બાબતો તેની આસપાસ જ હોય છે.